પાર્કિંગ ફીમાં ૪૦ ટકાનો વધારો પ્રસ્તાવિત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી દિવસોમાં વાહનો પાર્ક કરવા માટે વધુ ફી ચૂકવવાની તૈયારી વાહનચાલકોએ રાખવી પડવાની છે. મુંબઈ મહાનગર પાલિકાના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે સમગ્ર મુંબઈમાં પબ્લિક પાર્કિંગ ફીમાં ૪૦ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. હાલ અસ્તિત્વમાં રહેલા પાર્કિંગના દરમાં વધારો પાર્કિંગ પોલિસી લાગુ કરવાના એક દાયકા બાદ કરવામાં આવી રહ્યો છે. સુધારિત પ્રસ્તાવ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. તેમની મંજૂરી બાદ પાલિકાની વર્ક કમિટી અને ત્યારબાદ સામાન્ય સભા સમક્ષ અંતિમ મંજૂરી માટે મૂકવામાં આવશે.
સુધારિત પાર્કિંગના દર મુંબઈના તમામ પાલિકાના પાર્કિંગ સુવિધાઓને લાગુ થશે, જેમાં ૩૭ પબ્લિક પાર્કિંગ લોટ, ૨૬ ઓન-સ્ટ્રીટ પે-એન્ડ પાર્ક ઝોન અને ૩૫૦થી વધુ ઓફ સ્ટ્રીટ પે-એન્ડ પાર્ક સુવિધાઓનો સમાવેશ થાય છે.
પબ્લિક પાર્કિંગને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. પબ્લિક પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પ એન્ડ પાર્ક અને ઓફ-સ્ટ્રીટ પે-એન્ડ પાર્કનો સમાવેશ થાય છે. પાલિકાએ બીજી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પે એન્ડ પાર્ક પોલિસીને મંજૂરી આપી હતી, જેમાં પાર્કિંગ ફીમાં ૩૦૦થી ૪૦૦ ટકાનો મોટો વધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. પણ તેની સામે જાહેર અને રાજકીય વિરોધને પગલે રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં તેના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો હતો. ફેબ્રુઆરી ૨૦૧૭માં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ પાલિકાએ સુધારેલા દર દક્ષિણ મુંબઈના એ વોર્ડમાં એપ્રિલ ૨૦૧૭થી મુખ્ય પબ્લિક પાર્કિંગ લોટથી વસૂલ કરવાનું શરૂ કર્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલની પે-એન્ડ પાર્ક પોલિસીમાં લગભગ એક દાયકા બાદ ફેરફાર પ્રસ્તાવિ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને હવે તેની વિગતવાર નોંધ તૈયાર કરવામાં આવશે. પ્રશાસનની મંજૂરી પછી તેના અમલીકરણ પહેલા અંતિમ મંજૂરી માટે વર્ક કમિટી અને ત્યારબાદ પાલિકાની સામાન્ય સભાને મોકલવામાં આવશે.
આ દરમ્યાન પાલિકા સમગ્ર મુંબઈમાં પાર્કિંગ જગ્યાઓનું મેપિંગ કરવા માટે ત્રણ કરોડના ડિજિટલ ડેશબોર્ડ વિકસાવવા માટે એક કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરશે. સ્માર્ટ પાર્કિંગ ઍપ અને વેબસાઈટ દ્વારા આ સિસ્ટમ રીઅલટાઈમ પાર્કિંગ ઉપલબ્ધ છે કે નહીં તેની માહિતી પૂરી પાડશે. ફાસ્ટટેગ આધારિત ચૂકવણી રહેશે.