Wed Jul 29 2026

Logo

ભાંડુપ રેલવે ઓવરબ્રિજની ડિઝાઈન ચકાસવા માટે પાલિકા આઈઆઈટી બોમ્બેની મદદ લેશે: બ્રિજનું ૩૦ ટકા કામ પૂર્ણ

2026-03-07 08:52:00
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં ભાંડુપમાં પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ પર તીવ્ર વળાંકવાળી ડિઝાઈન ચકાસવા માટે મુંબઈ મહાનગરપાલિકા ઈન્ડિયન ઈન્સ્ટ્યિુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના નિષ્ણાતોની મદદ લેવાની છે. તેમ જ આ વિસ્તારમાં ટ્રાફિકના પ્રવાહને સમજવા માટે વિશેેષ સિમ્યુલેશન સ્ટડી પણ કરવામાં આવવાની છે. 

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે શુક્રવારે ભાંડુપ સાઈટ પર કામની સમીક્ષા કરી હતી. ભાંડુપ પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ૫૩૦ મીટર લાંબો આરઓબીનું કામ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં પૂરું કરીને તેને ખુલ્લો મૂકવામાં આવવાનો છે. આરઓબીનું કામ વર્ષ ૨૦૨૪ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતુંં, છતાં અત્યાર સુધી પુલનું ફક્ત ૩૦ ટકા કામ પૂર્ણ થયું છે.  
અભિજિત બાંગરે જણાવ્યું હતું કે પ્રસ્તાવિર રેલવે ઓવરબ્રિજની ડિઝાઈન ખાસ કરીને તેના અલાઈનમેન્ટમાં આવતા તીવ્ર વળાંકને આઈઆઈટી-બોમ્બેના નિષ્ણાતો દ્વારા ટેક્નિકલી રીતે ચકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિકના પ્રવાહનું વિશ્ર્લેષણ કરવા અને પુલ શરૂ થયા બાદ વાહનોની સુરક્ષિત અવરજવર સુનિશ્ર્ચિત કરવા માટે ટ્રાફિક સિમ્યુલેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે.

આ રેલવે ઓવરબ્રિજનું બાંધકામ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૩ના  વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે પ્રત્યક્ષમાં કામ ૨૦૨૪માં શરૂ થયું હતું. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ બ્રિજ વીર સાવરકર રોડ પર નીચે ઉતરે છે, જયા પૂર્વ -પશ્ર્ચિમના અલાઈનમેન્ટમાં જોડાતી વખતે તીવ્ર વળાંક આવે છે. જોકે ડિઝાઈન ટેક્નિકલ ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવી  છે. છતાં આઈઆઈટી નિષ્ણાતો સ્વંતત્ર રીતે તેની ચકાસણી કરશે.

વરિષ્ઠ અધિકારીએ સંબંધિત વિભાગને નિર્ધારીત સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ કરવા અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં પુલને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં નિર્દેશ પણ આપ્યો છે.
એક વખત આ પૂલ તૈયાર થઈ જશે પછી આ પુલ વીર સાવરકર રોડને લાલબહાદુર શાસ્ત્રી રોડ સાથે સીધો જોડશે અને જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ નજીકના તથા અન્ય રોડ પર મુસાફરીનો સમય ઘટાડવામાં અને ટ્રાફિકને ઘટાડવામાં મદદ કરશે.