મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઇ ઝોનલ યુનિટે નશીલા પર્દાથની દાણચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના ચાર સભ્યને નાગપુરથી ઝડપી પાડ્યા હતા અને 20 કરોડ રૂપિયાનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે નાગપુરમાં પશ્ર્ચિમ બંગાળનું રજિસ્ટ્રેશન ધરાવતી ટ્રકને આંતરી હતી અને તેમાં બેઠેલા પી. કુમાર તથા આર. કુમારને તાબામાં લેવાયા હતા. બાદમાં ટ્રકની તલાશી લેવામાં આવતાં ધાતુના પતરાના કાયદેસર કાર્ગોની અંદર છુપાવેલો 210 કિલો ગાંજો મળી આવ્યો હતો.
તાબામાં લેવાયેલા બંને શખસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગાંજાનો આ જથ્થો ઓડિશાના સંબલપુરથી આવ્યો હતો. ઓડિશા ગાંજાના અનધિકૃત પુરવઠા માટે મુખ્ય સ્રોત માનવામાં આવે છે. બાદમાં આગળની કાર્યવાહીમાં ગાંજાના વિતરકો પાટીલ અને વર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછમાં અધિકારીઓને એવું જાણવા મળ્યું હતું કે 210 કિલો ગાંજો મહારાષ્ટ્રમાં મુંબઇ, નાગપુર, અમરાવતી, અકોલા, નાશિક અને પુણે સહિત વિવિધ સ્થળે વિતરણ કરવાનો હતો અને તે સ્થાનિક પેડલરો સહિત અન્યોને રિટેઇલમાં વેચવામાં આવવાનો હતો.