Sat Apr 18 2026

Logo

સુધરાઈની છ પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદની ચૂંટણીમાં પાંચ બિનવિરોધ ચૂંટાઈ આવ્યા...

2026-03-06 21:16:54
Author: Sapna Desai
Article Image

ત્રણ ભાજપને અને બે યુબીટીને ફાળે યુબીટીની પીછેહઠ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકામાં છ પ્રભાગ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી શુક્રવારે પાર પડી હતી, જેમાં જી-ઉત્તર વોર્ડની પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદ માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવારે છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્રક પાછું ખેંચીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને સમર્થન આપતા તેમની જીતનો માર્ગ મોકળો થયો હતો. તો બાકીના પાંચ વોર્ડમાંથી ત્રણ વોર્ડમાં ભાજપના અને બે ઉદ્ધવની શિવસેનાના  ઉમેદવાર અધ્યક્ષપદે બિનહરીફ ચૂંટાયા હતા.

શુક્રવારે છ વોર્ડની પ્રભાગ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી પાંચ વોર્ડમાં વિરોધપક્ષે ઉમેદવાર ઊભો નહીં રાખતા અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા હતા. જોકે જી-ઉત્તર વોર્ડમાં રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. ૨૦૨૬ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ઠાકરે ભાઈઓ સાથે લડયા હતા, છતાં ઉદ્ધવની શિવસેનાના પ્રભાગ સમિતિના અધ્યક્ષપદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. મતદાન પ્રક્રિયા દરમ્યાન છેલ્લી ઘડીએ શિવસેના (યુબીટી)ના નગરસેવક જોસેફ કોળીએ ઉમેદવારીપત્રક પાછું ખેંચ્યું હતું અને મનસેને સમર્થન જાહેર કર્યું હતું. તેથી મનસેના નગરસેવક યશવંત કિલ્લેદાર જી-ઉત્તર વોર્ડની પ્રભાગ સમિતિના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા હતા.

આ દરમ્યાન અન્ય વોર્ડના પ્રભાગ સમિતિના અધ્યક્ષો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પી-દક્ષિણની વોર્ડ સમિતિના અધ્યક્ષપદે શ્રીકલા પિલ્લઈ ચૂંટાઈ આવ્યા હતા. તો સગાવાદને ભાજપમાં સ્થાન નહીં હોવાના દાવો કરનારા ભાજપના મુંબઈના અધ્યક્ષ અમિત સાટમના એકદમ નજીકના સંબંધી અને નગરસેવક રોહન રાઠોડ કે-પશ્ર્ચિમ પ્રભાગ સમિતિના અધ્યક્ષપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કે-ઉત્તર અને કે-દક્ષિણ વોર્ડમાં પ્રકાશ મુસલે અધ્યક્ષ બન્યા હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નગરસેવિકા રોહિણી કાંબળે એચ-પૂર્વ અને એચ-પશ્ર્ચિમ વોર્ડની પ્રભાગ સમિતિના અધ્યક્ષપદે તો પદ્મજા ચેમ્બુરકર જી-દક્ષિણ વોર્ડની પ્રભાગ સમિતિના અધ્ચક્ષપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.