મુંબઈ: મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોના પાણીના સ્તરમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. તળાવ વિસ્તારોમાં થયેલા જોરદાર વરસાદથી મુંબઈગરાઓને થોડી રાહત જરૂર મળી છે, પરંતુ નિષ્ણાતોના મતે મુંબઈ પરથી પાણીની કટોકટીનું સંકટ હજી પણ સંપૂર્ણપણે ટળ્યું નથી. આગામી દિવસોમાં પણ તળાવો આખી સીઝન ચાલે તેટલા ભરાય તે માટે સતત સારો વરસાદ થવો અત્યંત જરૂરી છે.
અત્યારે તળાવોમાં કેટલું પાણી છે?
મુંબઈના સાત તળાવોમાં હાલમાં કુલ 1.17 લાખ દશલક્ષ લીટર પાણીનો સ્ટોક છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર 8.12 ટકા જ છે. ચિંતાની વાત એ છે કે, ગયા વર્ષે આ જ દિવસે તળાવોમાં 43.46 ટકા પાણીનો સ્ટોક હતો, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત ઘણી ધીમી રહી છે અને પીવાના પાણીનું સંકટ હજી મુંબઈગરાના માથે તોળાઈ જ રહ્યું છે.
તળાવમાં પાણીની સ્થિતિ:
વિહાર તળાવ: સૌથી વધુ 57.18 ટકા પાણી (15,837 દશલક્ષ લીટર)
તુલસી તળાવ: 33.96 ટકા પાણી (2,733 દશલક્ષ લીટર)
મોડકસાગર તળાવ: 22.35 પાણી (28,814 દશલક્ષ લીટર)
મધ્ય વૈતરણ તળાવ: 12.38 ટકા પાણી (23,950 દશલક્ષ લીટર)
ભાતસા તળાવ: 5.72 ટકા પાણી (40, 983 દશલક્ષ લીટર)
તાનસા તળાવ: 3.60 ટકા પાણી (5,216 દશલક્ષ લીટર)
અપર વૈતરણ તળાવ: આ તળાવમાં પાણીનું સ્તર 'Lowest Draw Down Level' (LDL) થી નીચે ચાલ્યું ગયું હોવાથી અત્યારે ત્યાં ઉપયોગી પાણીનો સ્ટોક શૂન્ય (0%) ગણવામાં આવી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં તળાવ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ
છેલ્લા 24 કલાકમાં કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ થયો છે. તુલસી તળાવમાં 207 મિમી, વિહારમાં 195 મિમી, ભાંડુપ કોમ્પ્લેક્સમાં 219 મિમી, મધ્ય વૈતરણમાં 70 મિમી, મોડકસાગરમાં 67 મિમી, ભાતસામાં 52 મિમી, તાનસામાં 51 મિમી અને અપર વૈતરણમાં 22 મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે પાણીની આવક વધી છે.
મુંબઈને દરરોજ કેટલા પાણીની જરૂર પડે છે?
મુંબઈ શહેરની તરસ છિપાવવા માટે દરરોજ આશરે 3900થી 4000 દશલક્ષ લીટર પાણીની જરૂરિયાત રહે છે. જો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ સાત તળાવો સંપૂર્ણ ન ભરાય, તો આગામી આખા વર્ષ દરમિયાન મુંબઈમાં પાણીકાપ જાહેર કરવાની નોબત આવી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જેના પર જ હવે મુંબઈના આખા વર્ષના પાણીનો આધાર રહેશે.