Tue Jul 07 2026

Logo

મનોરીના કિનારે બીજા દિવસે પણ અટવાયેલું ઓઇલ જહાજ, કોસ્ટ ગાર્ડ એલર્ટ

2026-07-07 19:34:18
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ઉત્તર મુંબઈના મનોરી નજીક માનવરહિત નિકારાગુઆનું વેપારી ટેન્કર મંગળવારે બીજા દિવસે પણ અટવાયેલું રહ્યું હોવાનું જણાવી અધિકારીઓએ ઉમેર્યું હતું કે એમટી અલ જાફઝિયા નામનું જહાજ દરિયાકાંઠે એક કિલોમીટર દૂર અટવાયું છે અને તેમાં કોઈ સવાર ન હોવાની જાણકારી પણ આપી હતી. મરીન ટ્રાફિક વેબસાઇટ અનુસાર આ જહાજ એક તેલ/રાસાયણિક ટેન્કર છે અને બે મહિના પહેલા મુંબઈ બંદર પર લાંગરવામાં આવ્યું હતું.

182.75 મીટર લાંબુ અને 32.26 મીટર પહોળું જહાજ નિકારાગુઆના ધ્વજ હેઠળ કાર્યરત હોવાની માહિતી મરીન ટ્રાફિકે આપી હતી. જહાજ દરિયાઈ વિશ્લેષણની કામગીરી કરે છે જે જહાજોની ગતિવિધિઓ અને બંદરો અને બંદરોમાં જહાજોના વર્તમાન સ્થાન પર વાસ્તવિક સમયની માહિતી આપે  છે. ગોરાઈ પોલીસના જણાવ્યા અનુસાર માનવરહિત જહાજ હજુ સુધી દૂર કરવામાં આવ્યું નથી, અને ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા સંયુક્ત દેખરેખ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સોમવારે સવારે અટવાયેલા જહાજ વિશે માહિતી મળતા ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને અન્ય અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોસ્ટ ગાર્ડે પરિસ્થિતિ સમજવા અને જરૂરી સહાય માટે પોતાના જહાજોને એ વિસ્તારમાં મોકલ્યા હતા.

જહાજની તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોઈ ક્રૂ મેમ્બર કે અન્ય વ્યક્તિ નહોતી. પોલીસે જણાવ્યું હતું કે જહાજના માલિકને ખબર છે કે જહાજ અટવાયું છે. સ્થાનિક માછીમારોએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ખડકાળ છે અને ભારે પવનને કારણે નાના જહાજો માટે એની નજીક જવાનું અસુરક્ષિત બની ગયું છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડ્યો હોવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

કોસ્ટગાર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગેરકાયદે બંકરિંગ માટે ત્રણ જહાજને પકડી લીધા હતા. જહાજોને મુંબઈ લાવી યલો ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.