Fri Jun 26 2026

Logo

પશ્ચિમ રેલવેમાં ધસારાના સમયે ઓવરહેડ વાયર તૂટતા ટ્રેન વ્યવહાર ખોરવાયો, પ્રવાસીઓને હાલાકી

2026-06-26 10:59:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: શુક્રવારની વહેલી સવારે ટ્રેનને પાવર સપ્લાય કરતા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાની માહિતી રેલવે પ્રશાસન દ્વાર આપવામાં આવી હતી. ધસારાના સમયે જ ચર્ચગેટથી વિરાર આપ-ડાઉન લોકલ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં અડધોથી પોણો કલાક મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી.

મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે પહેલી ટેકનિકલ ખામી દાદર અને ચર્ચગેટ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયરમાં આવી હતી. રેલવેની ટેકનિકલ ટીમ હજુ આ ખામીને સુધારીને ટ્રેન વ્યવહાર પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યાં જ બીજી આંચકાજનક ઘટના સામે આવી. ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનોની વચ્ચે પણ ઓવરહેડ ઇક્વિપમેન્ટ ફેઈલ થતાં ટ્રેન વ્યવહાર પાછો ખોરવાયો હતો. એક જ દિવસમાં સવારે ધસારાના સમયે ઉપરાઉપરી થયેલાં આ બે ટેકનિકલ ફેઈલ્યોરને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. 

શુક્રવારનો દિવસ હોવાથી સવારના સમયે લાખો મુંબઈગરાંઓ ઓફિસ અને ધંધાર્થે જવા માટે ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. પરંતુ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી હોવાના કારણે બોરીવલી, અંધેરી, દાદર અને ચર્ચગેટ જેવા મુખ્ય સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનો મોડી પડવાને કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ જમા થઈ ગઈ હતી અને ટ્રેનની અંદર પણ ભારે ગિરદી જોવા મળી રહી છે. 

રેલવે પ્રશાસનના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા મુજબ, યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરીને ટ્રેનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ટ્રેનોની અવરજવર નિયમિત કરી દેવામાં આવશે. રેલવે દ્વારા પ્રવાસીઓને જો જરૂર હોય તો જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.