મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો થયો છે. બુધવારે રાતે બોરીવલી લોકલ ટ્રેનમાં દરવાજો બંધ કરવા જેવી નજીવી થયેલાં ઝઘડામાં મયંક લોહાર નામના યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી રોશન સુવર્ણાની ધરપકડ કર્યા બાદ જીઆરપીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને આ તપાસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે આખરે આરોપી પોતાની ઓફિસ બેગમાં લોડેડ ધારદાર છરી લઈને કેમ ફરી રહ્યો હતો.
પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી માહિતી અનુસાર આરોપી રોશન સુવર્ણા રોજની જેમ મુંબઈ લોકલમાં ઓફિસ જવા માટે મુસાફરી કરતો હતો. જ્યારે પોલીસે તેની બેગમાંથી છરી રાખવા અંગે કડક પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપીનો થોડા સમય પહેલાં તેના સ્થાનીય વિસ્તારમાં અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે મોટો ઝઘડો થયો હતો.
બોરીવલી રેલવે પોલીસે આરોપી રોશન સુવર્ણા વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હવે એ વાતની પણ તપાસ કરી રહી છે કે આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ, અને તેણે આ છરી ક્યાંથી ખરીદી હતી. મયંકના પરિવારે પણ આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે.
રોશને પોતાના પર હુમલો થવાના ડરથી કે પછી સામેવાળી વ્યક્તિને ડરાવવાના હેતુથી આ ધારદાર છરી ખરીદી હતી અને તેને કાયમ પોતાની ઓફિસ બેગમાં છુપાવીને રાખતો હતો. ઘટનાના દિવસે લોકલ ટ્રેનમાં ભીડ અને સીટ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે આવેગમાં આવીને બેગમાંથી છરી કાઢી મયંક પર હુમલો કરી દીધો, જેમાં મયંકનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ મુંબઈના લાખો રેગ્યુલર લોકલ પ્રવાસીઓમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે કે રેલવે સ્ટેશનો પર મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મીઓ હોવા છતાં કોઈ વ્યક્તિ આટલું મોટું હથિયાર બેગમાં લઈને ટ્રેનની અંદર સુધી કેવી રીતે પહોંચી શકે? આ ઘટનાએ આરપીએફ અને જીઆરપીની તપાસ પ્રક્રિયા પર મોટા સવાલો ઊભા કર્યા છે.