મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદની સીધી અને માઠી અસર હવે મુંબઈની જીવાદોરી સમાન લોકલ રેલવે સેવા પર પણ જોવા મળી હતી. ઓફિસે જવાના પીક અવર્સમાં જ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અનેક મહત્ત્વના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ત્રણેય મુખ્ય લાઈનો પર ટ્રેનો મોડી દોડવાના કારણે લાખો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મધ્ય અને પશ્ચિમ રેલવે પર વરસાદ અને પાણી ભરાવાના કારણે ટ્રેનોની ગતિ મંદ પડી ગઈ હતી. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર મધ્ય રેલવેની લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં અંદાજે 20 મિનિટ મોડી ચાલી રહી છે. જ્યારે પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેન સેવા પણ 15 મિનિટ જેટલી વિલંબથી દોડી રહી હતી, જેને કારણે નોકરિયાત વર્ગને લેટમાર્કનો ફટકો પડ્યો હતો.
Maharashtra Rain News : Mumbai Rains | Mumbai Local Updates | तिन्ही रेल्वे मार्गांवर खोळंबा; कारण काय?#MumbaiRain #MumbaiLocal #CentralRailway #HarbourLine #WesternRailway #Badlapur #MumbaiNews #BreakingNews #MarathiNews #RainUpdate pic.twitter.com/crffYhEhGo
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) July 1, 2026
હાર્બર લાઈન પર મુસાફરોની મુશ્કેલી સૌથી વધુ વધી હતી, કારણ કે નેરૂળ સ્ટેશન નજીક અચાનક ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે આ રૂટ પરનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને લોકલ ટ્રેનો લગભગ 30 મિનિટ જેટલી મોડી દોડી રહી હતી. ટેકનિકલ ટીમ દ્વારા વાયર રિપેરિંગની કામગિરી યુદ્ધના ધોરણે શરૂ કરીને ટ્રેનવ્યવહાર પૂર્વવત્ કરવાના તમામ પ્રયાસો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
બીજી તરફ, બદલાપુર સ્ટેશન નજીક એક ગુડ્સ ટ્રેન (માલગાડી) માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે પાટા પર જ બંધ પડી ગઈ છે. આ ઘટનાને કારણે સેન્ટ્રલ લાઈન પર સીએસએમટી તરફ આવતી અનેક લોકલ ટ્રેનો ઠેકઠેકાણે અટવાઈ પડી હતી. રેલવે પ્રશાસન દ્વારા બંધ પડેલી માલગાડીને હટાવીને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.