Wed Jul 01 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનોમાં વધતા ગુનાઓને પગલે 150 સ્ટેશનોનું થશે તાત્કાલિક સુરક્ષા ઓડિટ, જોઈ લો તમારું સ્ટેશન પણ છે કે નહીં?

2026-07-01 16:08:07
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનોમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં ચાલુ લોકલ ટ્રેનમાં બે મુસાફરોની નિર્મમ હત્યાની ઘટનાઓ સામે આવ્યા બાદ હવે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતેએ રેલવે પ્રશાસનને મુંબઈ સબર્બન રેલવે નેટવર્કના તમામ 150 રેલવે સ્ટેશનોનું તાત્કાલિક 'સુરક્ષા ઓડિટ' કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.

મંગળવારે એટલે કે 30મી જૂનના યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં DGPએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આ બેઠકમાં તાજેતરમાં જ ચર્ચગેટ-નાલાસોપારા લોકલ ટ્રેનમાં બનેલી હત્યાની ઘટના પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં ટ્રેનનો દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલા વિવાદમાં એક મુસાફરે જીવ ગુમાવવો પડ્યો હતો.

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, પશ્ચિમ રેલવેના 42 અને મધ્ય રેલવેના 108 સ્ટેશનોનું વિગતવાર સુરક્ષા ઓડિટ કરવામાં આવશે. આ ઓડિટનો મુખ્ય હેતુ વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની ખામીઓને શોધીને તેને વહેલી તકે દૂર કરવાનો અને સુરક્ષા સિસ્ટમને અપગ્રેડ કરવાનો છે.

ડીજીપી સદાનંદ દાતેએ અધિકારીઓને આદેશ આપતાં જણાવ્યું છે કે દરેક સ્ટેશન પર મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પૂરતા પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવે. આ સિવાય સ્ટેશનના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર તપાસ વ્યવસ્થાને વધુ આધુનિક અને કડક બનાવવામાં આવે. તેમ જ મહિલા કોચની સામે લગાવવામાં આવી રહેલા 'પેનિક બટન' ને વહેલી તકે સંપૂર્ણ સક્રિય કરવામાં આવે, જેથી કટોકટીના સમયે મહિલાઓને તાત્કાલિક મદદ મળી શકે.

મુંબઈ લોકલ રેલવે પરિસરમાં અસામાજિક તત્વોના પ્રવેશ પર રોક લગાવવા માટે હવે સામાન્ય સીસીટીવી કેમેરાના સ્થાને ફેશિયલ રિકગ્નિશન હાઈ-ટેક કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત, રેલવે સ્ટેશનો પરના તમામ ગેરકાયદેસર એન્ટ્રી પોઈન્ટ્સ ઓળખીને તેને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે અને ત્યાં 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ રેલવે પ્રવાસીઓની સુરક્ષા માટે દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજાય છે. છેલ્લી બેઠક એપ્રિલ મહિનામાં થઈ હતી, પરંતુ તાજેતરની હત્યાઓની ગંભીરતાને જોતાં ડીજીપીએ નિયત સમય પહેલાં જ આ ખાસ બેઠક બોલાવીને મુંબઈગરાઓની સુરક્ષા મજબૂત કરવાના આદેશ આપ્યા છે.