Wed Jul 29 2026

Logo

જળાશયોમાં પાણીની ભરપૂર આવક છતાં મુંબઈ પર પાણીકાપ હાલ પૂરતો યથાવત રહેશે: વિહાર છલકાયું

2026-07-08 08:59:29
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પણ વરસાદી પાણીની સારી એવી આવક થઈ છે. ભારે વરસાદને પગલે મુંબઈના પાણીના જથ્થામાં એક જ  દિવસમાં ૧૨ ટકાનો વધારો થયો છે. સોમવારે જળાશયોમાં પાણીનું સ્તર ૧૬.૯ ટકા હતું તે મંગળવારે વધીને ૨૮.૯ ટકા થયું છે. જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે. આ દરમ્યાન મુંબઈ ની અંદર આવેલું વિહાર મોડી રાતે છલકાઈ ગયું હતું, જે સૌથી નાનું તળાવ છે,છતાં મુંબઈગરા પર લાદવામાં  આવેલા ૧૦ ટકા પાણીકાપ અને ઔદ્યોગિક વપરાશ પર મૂકવામાં આવેલા ૨૦ ટકા પાણીકાપને પાછો ખેંચવા માટે પાલિકા હાલ કોઈ ઉતાવળ કરવા માગતી ન હોવાનું પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ કહ્યું હતું. 

જળાશયોના કેચમેન્ટ એરિયામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સારો એવો વરસાદ પડયો છે, જેને કારણે ફકત ૨૪ કલાકની અંદર પાણીનું સ્તર વધીને ૨૮.૯ ટકાએ પહોંચી ગયું છે, જેે આ ચોમાસામાં સૌથી મોટો વધારો છે. જોકે હાલનો પાણીનો જથ્થો ગયા વર્ષના ૬૮ ટકા કરતા ઘણો ઓછોે છે. મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં થોડા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે પણ વરસાદ જળાશયોથી દૂર હતો. છેવટે મંગળવારના ભારે વરસાદને પગલે શહેરના પાણીના જથ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો થયો છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં સંયુક્ત સંગ્રહ સોમવારે ક્ષમતા ૧૬.૯૨ ટકા હતી તે વધીને મંગળવારે સવારે ૨૮.૯૨ ટકા થયો છે. જથ્થાની દ્રષ્ટિએ, સ્ટોક ૧.૭૪ લાખ મિલ્યન લિટર વધ્યો છે, જે ૨.૪૪ લાખ મિલ્યન લિટરથી ૪.૧૮ લાખ મિલ્યન લિટર થયો છે જે ૭૧ ટકાનો વધારો દર્શાવે છે.જૂન મહિનામાં વરસાદ ઓછો હોવાથી તળાવના જળસ્તરમાં બે દિવસના ભારે વરસાદને કારણે પાણીનું પ્રમાણ લગભગ છ ટકા સુધી ઘટી ગયું હતું, જેના કારણે પાલિકાએ ૧૫ જૂનથી શહેરમાં ૧૦ ટકા પાણી કાપ લાદવાની ફરજ પડી હતી. બાદમાં પાણીની સપાટીમાં વધુ ઘટાડો થતા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ  અને બાંધકામ સ્થળો પર પ્રતિબંધો કડક કરવામાં આવ્યા હતા.ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, મોડક સાગર, તાનસા, તુલસી અને વિહાર, સાત તળાવો કુલ ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે.

પાલિકાના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવાર સવાર દરમિયાન કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ પછી પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો છે. મોડક સાગરમાં સૌથી વધુ ૩૪૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ તાનસા (૩૨૨ મિ.મી.), મિડલ વૈતરણા (૨૩૫  મિ.મી.), અપર વૈતરણા (૨૧૨  મિ.મી.), ભાતસા (૧૭૨ મિ.મી.), તુલસી (૧૬૦ મિ.મી.) આવે છે અને વિહાર મોડી રાતે છલકાયું હતું.

છેલ્લા બે દિવસમાં પાણીના સ્તરમાં સુધારો થયો છે ત્યારે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું કે ૧૦ ટકા પાણી કાપ હાલ પૂરતો ચાલુ રહેશે.  જળાશયોમાં વધુ વધારો નોંધાયા પછી જ સપ્ટેમ્બરમાં નિયંત્રણોની સમીક્ષા કરવામાં આવશે અને એ બાદ પાણીકાપ પાછો ખેંચવા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મંગળવારના તીવ્ર વધારા પછી પણ શહેરનો પાણીનો જથ્થો ગયા વર્ષના સ્તરથી ઘણો નીચે છે. ૨૦૨૫માં આ જ દિવસ, જળાશયો ૬૮ ટકા ભરાઈ ગયા હતા, જે વર્તમાન સંગ્રહ કરતા બમણાથી વધુ છે. આ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ બાદ પવઈ તળાવ છલકાઈ ગયું હતું. જો કે, તળાવનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે અને તે મુંબઈની પીવાના પાણીપુરવઠા પ્રણાલીનો ભાગ નથી.