Wed Jul 01 2026

Logo

મુંબઈ-કોંકણ માટે આગામી ૪ દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર, વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

2026-07-01 08:31:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


મુંબઈ: મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં ચોમાસુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને મુંબઈ સહિત સમગ્ર કોંકણ પટ્ટા પર આકાશી આફત તોળાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે, પહેલી જુલાઈના રોજ કરેલી આગાહી અનુસાર મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરીમાં આગામી ચાર દિવસ સુધી 'ઓરેન્જ એલર્ટ' લંબાવી દેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તીવ્ર વેગે પવન ફૂંકાવા સાથે અને વીજળીના કડાકા-ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં મોન્સૂન સક્રિય છે. મુંબઈ અને આસપાસના શહેરોમાં આગામી 96 કલાક દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સતત પડનારા મુશળધાર વરસાદને કારણે જનજીવન અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર જોવા મળશે, એવી ભીતી સેવાઈ રહી છે. 

દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. આ ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને પણ મરીન ડ્રાઈવ, ગેટવે ઓફ ઈન્ડિયા, જુહુ અને દાદર જેવી ચોપાટીઓ તેમજ દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને સ્થાનિક વહીવટીતંત્રને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પૂરના પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનોને સજ્જ કરાયા છે. તેમ જ ભારે વરસાદને કારણે જો રેલવે પાટા પર પાણી ભરાય કે પછી ટ્રેન સેવા ખોરવાય તો તેને પહોંચી વળવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને માત્ર ઈમરજન્સીના કામ વગર ઘરની બહાર ન નીકળવા અને અફવાઓથી બચવા જણાવાયું છે.