Tue Jul 07 2026

Logo

જુલાઈના છ દિવસમાં આખા મહિનાના સરેરાશ કરતા વધુ વરસાદ

2026-07-07 09:40:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઓરેન્જ અને રેડ અલર્ટ હેઠળ મુશળધાર વરસાદ પડી ગયો છે. તેને પગલે જુલાઈના પહેલા છ દિવસમાં જ મુંબઈમાં આખા મહિનાના સરેરાશ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે, જેમાં કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળાઓમાં અનુક્રમે ૭૩૪.૧ મિ.મી અને ૮૫૫.૭ મિ.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ આંકડાઓ પહેલાથી જ તેમના સંબંધિત જુલાઈ માસિક સામાન્ય કરતાં વધી ગયા છે. સાત જુલાઈ માટે તેની આગાહીમાં  મુંબઈ અને થાણે માટે ઓરેન્જ ચેતવણી જારી કરવામાં આવી છે જેમાં ભારેથી ખૂબ ભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. રાયગઢ અને પાલઘર માટે રેડ અલર્ટ રહે છે જેમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે  વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છ અને સાત જુલાઈ ૨૦૨૬ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ અને નજીકના ઘાટ વિસ્તારોમાં ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેટલાક સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ અને અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે, જેમાં ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થશે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં સતત છઠ્ઠા દિવસે પણ ત્રણ આંકડાનો વરસાદ નોંધાયો હતો. કોલાબામાં ૧૨૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે સાન્તાક્રુઝમાં ૧૫૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે બંનેને ભારે વરસાદની શ્રેણીમાં મૂકે છે. 

છ જુલાઈના રોજ પૂરા થયેલા ૨૪ કલાકના વરસાદના આંકડા દર્શાવે છે કે મુંબઈની આસપાસના વિસ્તારોમાં  થાણે, નવી મુંબઈ, વસઈ અને પાલઘર સહિત  આ સમયગાળા દરમ્યાન શહેર કરતાં પણ વધુ ભારે વરસાદ પડ્યો હતો. દરમ્યાન સોમવારે સવારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર માટે રેડ અલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે પવનની અસરને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવી રહ્યા છે. 


સૂસવાટાભર્યા પવનો ફૂંકાયા
મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. સોમવારે વહેલી સવારના સાત થી આઠ વાગ્યા દરમિયાન મલબાર હિલ જેવા વિસ્તારોમાં પવનની ગતિ ૬૬ કિમી પ્રતિ કલાક, રે રોડ ૫૩ કિમી પ્રતિ કલાક, સાંતાક્રુઝ ૪૯ કિમી પ્રતિ કલાક, ઘાટકોપર ૪૨ કિમી પ્રતિ કલાક, મલાડ ૪૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાયો હતો.


સરેરાશ કરતા વધુ
ચોમાસાની શરૂઆતથી કોલાબામાં ૧,૨૬૪.૫ મિ.મી અને સાંતાક્રુઝમાં ૧,૩૧૪.૮ મિ.મી વરસાદ નોંધાયો છે. આનો અર્થ એ થયો કે, સિઝનના પહેલા પખવાડિયામાં જ કોલાબામાં તેના સરેરાશ મોસમી વરસાદના લગભગ ૬૦ ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સાંતાક્રુઝમાં લગભગ ૫૭ ટકા વરસાદ પડ્યો છે.

વરસાદ માટે અનુકુળ સ્થિતિ
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ પર સક્રિય ચોમાસાની સ્થિતિ અનુકૂળ હવામાન પ્રણાલીઓના સંયોજન દ્વારા સંચાલિત છે, જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ કિનારા સુધી વિસ્તરેલું  ઓફશોર ટ્રફ, મધ્ય ભારત પર શીયર ઝોન અને દક્ષિણ ઝારખંડ અને નજીકના ઉત્તર આંતરિક ઓડિશા પર ડિપ્રેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ભેજના પ્રવાહમાં વધારો કરી રહી છે અને પશ્ર્ચિમ કિનારા પર ચોમાસાની પ્રવૃત્તિને મજબૂત બનાવી રહી છે. આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ અને નજીકના પૂર્વ મધ્ય પ્રદેશમાં ઉત્તરપશ્ર્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. તેનો પ્રભાવ ઓફશોર ટ્રફ સાથે મળીને મુંબઈ સહિત કોંકણ કિનારા પર વરસાદની પ્રવૃત્તિને સક્રિય રાખવાની શક્યતા છે.