આરોપીઓ પાસેથી 613 સિમકાર્ડ, 27 મોબાઇલ સહિત અન્ય મતા જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં રહેનારા આઇટી કન્સલ્ટન્ટને મની લોન્ડરિંગ પ્રકરણમાં તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવી તથા ડિજિટલ અરેસ્ટનો ડર દેખાડી 1.67 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં વેસ્ટ રિજન સાયબર પોલીસે મહિલા સહિત સાત જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 27 મોબાઇલ, વિવિધ કંપનીના 613 સિમકાર્ડ, 10 ચેકબુક તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હતી.
સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 32 વર્ષની મહિલા સહિત સંજય શાહ, નૌશાદઅલી દિલશાદઅલી, ઋષિ રામચંદ્ર મિના, મોહંમદ ખાલીદ હફિઝુદ્દીન સૈફી, જગેશ્ર્વર મહતો અને જાબીર હુસૈનનો સમાવેશ થાય છે. તમામ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી જગેશ્વર મહતો અને જાબીર હુસૈનના બૅંક ખાતામાં 1.17 કરોડ રૂપિયા આવ્યા હતા, જે બાદમાં સંબંધિતોને પહોંચાડાયા હતા, જ્યારે સંજય શાહે સાયબર ગુના માટે આરોપીઓને ઓટીપી અને સિમકાર્ડ પૂરા પાડ્યા હતા. આરોપી મહિલાના બૅંક ખાતામાં પણ 50.60 લાખ રૂપિયા આવ્યા હતા. નૌશાદઅલીએ અન્ય આરોપીઓને સિમકાર્ડ વેચ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીને એપ્રિલ, 2026માં કુરિયર સર્વિસને નામે કૉલ આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ ફરિયાદીને કહ્યું હતું કે તેમનું પાર્સલ કસ્ટમ્સ ઓફિસરે પકડ્યું હોઇ તેમાં ડ્રગ્સ તથા અન્ય સાહિત્ય મળી આવ્યું છે.
બાદમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, હરિયાણા અને પંજાબમાં ગુના આચર્યા હોવાનું જણાઇ આવ્યું છે. ઉપરાંત તમારો મની લોન્ડરિંગ પ્રકરણ સાથે સંબંધ હોઇ તમારા આધાર કાર્ડનો તેમાં દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ગુનામાં તમારી સંડોવણી હોવાનું જણાઇ રહ્યું છે અને તેમાં તમારી ધરપકડ થઇ શકે છે.
દરમિયાન ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કરવા તેમને વ્હૉટ્સઍપ પર પોલીસનો લોગો સાથેનો પત્ર અને સુપ્રીમ કોર્ટના સ્ટેમ્પ ધરાવતા બોગસ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડિજિટર અરેસ્ટનો ડર દેખાડી વિવિધ બૅંક ખાતાંમાં કુલ 1.67 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.
આરોપીઓએ બાદમાં વધુ 80 લાખ રૂપિયાની માગણી કરાતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.