Wed Jun 24 2026

Logo

મુંબઈમાં મુશળધાર વરસાદ: અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત, હાઈવે જામ અને લોકલ ટ્રેનો મોડી, હાઈટાઈડનું એલર્ટ...

2026-06-24 08:27:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી જ પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આગામી કેટલાક કલાકો મુંબઈગરાઓ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. સાકીનાકા, બાંદ્રા, સાયન, અંધેરી વેસ્ટ અને બોરીવલી ઈસ્ટ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. જોકે, મેઘરાજાના આ ધમાકેદાર કમબેકને કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો છે. 

મળતી માહિતી અનુસાર મંગળવાર રાતથી મુંબઈ અને ઉપનગરોમાં મેઘરાજાએ તોફાની હાજરી પૂરાવી છે. મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાકીનાકા, બાંદ્રા, સાયન, અંધેરી વેસ્ટ અને બોરીવલી ઈસ્ટ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. અંધેરી વેસ્ટ અને ગાંધી માર્કેટમાં વહેલી સવારથી જ ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાને કારણે ઘણા વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા, જેને ટ્રાફિક પોલીસ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેથી મુંબઈ તરફ આવતો અને થાણે તરફ જતો વાહનવ્યવહાર ખૂબ ધીમો પડી ગયો છે. થાણેમાં આનંદ નગર નાકા પાસે એક મોટું ઝાડ ધરાશાયી થવાને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી છે, જ્યારે અન્ય એક જગ્યાએ ઝાડ પડવાથી પાંચ વાહનોને નુકસાન થયું છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો પર પણ આ વરસાદની સીધી અસર જોવા મળી રહી છે. 

વાત કરીએ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનના અપડેટની તો મધ્ય, પશ્ચિમ અને હાર્બર ત્રણેય લાઈન પર લોકલ ટ્રેનો પોતાની નિયમિત ગતિ કરતા ધીમી ચાલી રહી છે, અને જો વરસાદ આવો જ ચાલુ રહેશે તો લોકલ સેવાઓ વધુ ખોરવાઈ શકે છે, એવી ભીતી પણ સેવાઈ રહી છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકો સુધી મુંબઈ શહેર, ઉપનગરો અને પાલઘર જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે અને કલાકના 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ મુંબઈના દરિયામાં સવારે 8:25 વાગ્યે મોટી ભરતી એટલે કે હાઈ ટાઈડ હોવાથી, જો આ સમયે પણ ભારે વરસાદ ચાલુ રહેશે તો મુંબઈમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ જ કારણે પ્રશાસન દ્વારા લોકોને વગર કામે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.