Mon Jul 06 2026

Logo

કુર્લામાં ઝાડ પડવાથી સિનિયિર સિટીઝનનું મોત એક અઠવાડિયામાં ઝાડને કારણે ત્રણનાં મોત

2026-07-05 21:21:30
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં અવિરત વરસાદથી વૃક્ષ ધરાશાયી થવાથી વધુ એકનું મોત થયું હતું. કુર્લા (પશ્ર્ચિમ)માં ઝાડ એક દુકાન પર પડતાં ૬૩ વર્ષીય સિનિયર સિટીઝનનું મોત થયું. એ સાથે જ  એક અઠવાડિયામાં મુંબઈમાં ત્રીજો જીવલેણ ઝાડ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે, જેમાં અત્યાર સુધી ત્રણના મોત થઈ ચૂક્યા છે.કુર્લાના નૌપાડા વિસ્તારમાં હિંદી બીએમસી સ્કૂલ નજીક રવિવારે બપોરે ૧૨.૪૦ વાગે આ બનાવ બન્યો હતો, જેમાં એક ઝાડ દુકાન પર તૂટી પડતાં ૬૩ વર્ષીય યુનુસ કુંડાવાલાનું મોત થયું હતું.

પાલિકાના જણાવ્યા અનુસાર યુનુસ રસ્તાની બાજુમાં એક દુકાન પાસે ઊભો હતો ત્યારે અચાનક ઝાડ ઉખડીને દુકાન પર જોશભેર તૂટી પડયું હતું, જેના કારણે તે નીચે ફસાઈ ગયો. સ્થાનિક રહેવાસીઓ અને અન્ય દુકાનદારો દોડી આવ્યા હતા અને તેને ઝાડની નીચેથી બહાર કાઢયો હતો. પરંતુ સ્થાનિક હોસ્પિટલમાં પહોંચતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં ભીડભાડવાળી શેરી દેખાઈ રહી છે. યુનુસ કુંડાવાલા ફસાઈ ગયા હતા, જ્યારે અન્ય ઘણા રાહદારીઓ બચી ગયા હતા. ભારે વરસાદને કારણે શનિવારે ગોરેગામમાં પણ એક યુવકનું ઝાડ તૂટવાને કારણે મૃત્યુ થયું હતું.

પાલિકાના જણાવ્યા મુજબ શનિવારે બપોરના અઢી વાગ્યાની આસપાસ આરે કોલોનીમાં યુનિટ નંબર- ૧૩  મિત્રો સાથે ફરવા આવેલો ૧૮ વર્ષનો યુવક વરસાદની બચવા માટે એક ઝાડની નીચે ઊભો હતો ત્યારે ઝાડની ડાળખી તેના પર તૂટી પડી હતી, જેમાં તેના માથા પર ભારે ઈજા પહોંચી હતી. તેને તરત મલાડ પૂર્વમાં આવેલી બાલાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર પહેલા જ તેને ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ અલામ સૈયદ હતું.

આ અગાઉ ૩૦ જૂનના રોજ ચેમ્બુરમાં બાળકોને ઘરે લઈ જતી સ્કૂલ વાન પર પીપળાનું એક મોટું ઝાડ ઉખડીને અથડાયા બાદ ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું. તો બે દિવસ પહેલા સાંતાક્રુઝમાં ઝાડ તૂટી પડતા આઠ જણ જખમી થયા હતા, ત્યારબાદ રવિવારે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી દાદરમાં એક ઘરની છત પર ઝાડ તૂટી પડયું હતું અને ડાળખીઓ તેના ઘરમાં ઘુસી ગઈ હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.

ગયે મહિને પણ ૧૦ મેના રોજ ખાર પશ્ર્ચિમાં લિકિંગ રોડ પર ક્ધસ્ટ્રકશન સાઈટ પર એક મોટું ઝાડ ત્યાંથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા પર પડયું હતું, જેમાં બે યુવતી ગંભીર રીતે જખમી થઈ હતી. બાદમાં આ દુર્ઘટનામાં ૧૪ વર્ષની અરિકા શ્રીવાસ્તવનું મૃત્યુ થયું હતુ.ં તો ૨૩ વર્ષની હર્ષિતા કુમાર જખમી થઈ હતી.