Wed Jul 29 2026

Logo

મુંબઈને ડૂબતી બચાવવા બીએમસી એનડીઆરએફ પાસેથી ભંડોળ મેળવશે

2026-07-08 08:55:38
Author: Sapna Desai
Article Image

AI generated image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નદી-નાળા અને ગટરોની સફાઈ બાદ પણ ભારે વરસાદ દરમ્યાન મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈને ધૂંટણબંધ પાણી ભરાયાં હતાં. તેથી તેનો કાયમી ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ પાસેથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહી હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું.

મુંબઈમાં સતત વરસાદ પડ્યો છે, તેમાં પણ ભારે વરસાદ સમયે દરિયામાં ભરતી હોવાને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. અમુક વિસ્તારમાં ગટરો અને નાળાની સફાઈ યોગ્ય રીતે થઈ ન હોવાને કારણે પણ પાણી ભરાયાં હતાં ત્યારે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ મંગળવારે જણાવ્યું હતું કે નદી અને નાળાઓની નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે પણ ઓછા સમયમાં ૩૦૦ મિલીમીટર વરસાદ પડે અને તે જ સમયે દરિયામાં સાડા ચાર મીટર ભરતી હોય ત્યારે મુંબઈ જેવા ત્રણેય તરફથી દરિયાથી ઘેરાયેલા અને ‘રિક્લેમેશન’ થયેલા શહેરમાં પાણી ભરવું સ્વાભાવિક છે.

કમિશનરે વધુમાં કહ્યું હતું કે  મુંબઈમાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી  સ્વરૂપે ઉકેલ લાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ પાસેથી ભંડોળ મેળવવા માટે પાલિકા પ્રયાસ કરી રહી છે, તે માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મુંબઈની મદદથી સવિસ્તાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ૩૦૦થી ૩૫૦ ફ્લડિંગ સ્પોટ ઓછા કરવા માટે મોટો પ્રોજેક્ટો હાથમાં લીધો છે.

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અનેક ઉપાયયોજના હાથ ધરાશે એવું બોલતા કમિશનરે જણાવ્યું હતું કે ભંડોળ ઉપલબ્ધ થયા બાદ તેમાંથી નવા પંપિંગ સ્ટેશન બાંધવામાં આવશે. પંપિંગ સ્ટેશનની ક્ષમતા વધારવા તેમ જ ઓટોમેટિક ફ્લડિંગ ગેટ બેસાડવા, વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની પાઈપલાઈનના જાળાનું વિસ્તારીકરણ કરવા જેવા અનેક પ્રોેજેક્ટ અમલમાં મૂકવામાં આવવાના છે.