Fri Jun 26 2026

Logo

લોકોનો જીવ મહત્વનો કે સોસાયટીના નિયમો? દાદરની સોસાયટીમાં ફાયર બ્રિગેડના આદેશ છતાં ટેરેસને તાળું મારતા વિવાદ વકર્યો...

2026-06-26 09:34:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


છેલ્લા કેટલાક મહિનાઓમાં મુંબઈમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી કટોકટીની સ્થિતિમાં નાની ઇમારતોના રહેવાસીઓ માટે ટેરેસ શેલ્ટર એરિયા તરીકે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે. પરંતુ, મુંબઈ અગ્નિશમન દળના કડક આદેશો છતાં મુંબઈની ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું એક ચોંકાવનારા કિસ્સા પરથી સામે આવ્યું છે. દાદરની એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં ફાયર બ્રિગેડની નોટિસ છતાં ટેરેસને તાળું મારીને રાખવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે.

મુંબઈના દાદર પશ્ચિમમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં કુલ આઠ વિંગ છે. આશરે 55 વર્ષ જૂની આ ઈમારતોમાં અગ્નિશમનની દ્રષ્ટિએ કોઈ જ આધુનિક સુવિધાઓ કે ઉપાયો કરવામાં આવ્યા નથી. વળી, સોસાયટીના મેઈન એન્ટ્રન્સ પર જ મીટર બોક્સ રૂમ આવેલી છે. જો બિલ્ડિંગમાં ક્યારેય શોર્ટ સર્કિટ કે આગ લાગે, તો રહેવાસીઓ પાસે કાં તો નીચે જવાનો કે પછી ટેરેસ પર આશ્રય લેવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. પરંતુ સોસાયટી દ્વારા ટેરેસ પર કાયમ તાળું મારી રાખવામાં આવતું હોવાથી રહેવાસીઓનો જીવ જોખમમાં મુકાયો છે.

જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને ટેરેસ ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો, ત્યારે પણ સોસાયટી વહીવટી તંત્ર તેને માનવા તૈયાર નથી. સોસાયટીના સેક્રેટરીના જણાવ્યા મુજબ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભામાં જ સર્વાનુમતે અગાસી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ સભ્યને અગાસી પર જવું હોય તો તેની ચાવી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

સેક્રેટરીએ સવાલ ઉઠાવ્યો છે કે જો અગાસી ખુલ્લી રાખવામાં આવે અને ત્યાં કોઈ અણબનાવ કે આત્મહત્યા જેવી અપ્રિય ઘટના બને, તો તેની જવાબદારી કોણ લેશે? બિલ્ડિંગના સેક્રેટરી દ્વારા એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે જે સભ્યોએ ફરિયાદ કરી છે, તેમણે સોસાયટીની કોમન જગ્યા પર અતિક્રમણ કર્યું હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા તેમણે આ આખો વિવાદ ઊભો કર્યો છે.

ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ અને ફાયર ઓફિસરનું શું કહેવું છે?
મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્ય અગ્નિશમન અધિકારી રવીન્દ્ર અંબુલગેકરે સ્પષ્ટ કર્યું છે કે વિકાસ નિયંત્રણ નિયમાવલીની જોગવાઈઓ મુજબ, 32 મીટર સુધીની ઊંચાઈવાળી ઇમારતોની અગાસીને 'શેલ્ટર એરિયા' ગણવામાં આવે છે. આ નિયમ મુજબ કોઈ પણ સોસાયટી અગાસીને કાયમી તાળું મારી શકે નહીં. ફાયર વિભાગ દ્વારા સંબંધિત સોસાયટીને કડક શબ્દોમાં પત્ર પાઠવવામાં આવ્યો છે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

હવે આ મામલે મુંબઈગરાંઓમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે લોકોનો કિંમતી જીવ વધુ મહત્વનો છે કે સોસાયટીના પોતાના બનાવેલા નિયમો? તમારું આ બાબતે શું કહેવું છે એ અમને ચોક્કસથી જણાવો. આવા જ બીજા કામના તેમ જ મહત્ત્વના સમાચારની અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.