મુંબઈ: મુંબઈના ભાયખલા વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે એક મોટી અને ભયાનક દુર્ઘટના ટળી છે. મોહરમના પવિત્ર જુલૂસ દરમિયાન ભીડને નિશાન બનાવીને ઝેરી કેપ્સુલ વેચવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે જુલૂસમાં શંકાસ્પદ હાલતમાં દવાઓ વેચતા એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી 14,900 જેટલી ઝેરી કેપ્સુલનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓ ખાધા પછી કેટલાક લોકોની તબિયત લથડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ભાયખલામાં યોજાયેલા મોહરમના જુલૂસમાં એક અજાણ્યો શખ્સ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લોકોને કેપ્સુલ વેચી રહ્યો હતો. તેણે લોકોને દાવો કર્યો હતો કે આ કેપ્સુલ શરીરના દુખાવા માટેની 'પેઇન કિલર' દવા છે. જોકે, આ દવા લીધા બાદ એક વ્યક્તિને અચાનક ઉલ્ટીઓ થવા લાગી અને બેચેનીની ગંભીર ફરિયાદ ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદ શખ્સને કસ્ટડીમાં લીધો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ ફય્યાઝ પ્રેમજી તરીકે થઈ છે, જે પુણેનો રહેવાસી છે. પોલીસે જ્યારે તેની પાસે રહેલા જથ્થાની તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ કેપ્સુલ કોઈ પેઇન કિલર નહોતી, પરંતુ તેમાં ઉંદર મારવા માટે વપરાતું ઘાતક કેમિકલ 'ઝીંક ફોસ્ફાઈડ' ભરેલું હતું.
30,000 કેપ્સુલનો આપ્યો હતો ઓર્ડર, દરેક કેપ્સુલમાં 1 ગ્રામ ઝેર
પોલીસની કડક પૂછપરછમાં આરોપી ફય્યાઝે કબૂલાત કરી છે કે તેણે મોહરમના જુલૂસમાં મોટી ખુવારી કરવાના હેતુથી જ આ ઝેરી દવાઓ વેચી હતી. આ ભયાનક કાવતરા માટે તેણે કુલ 30,000 કેપ્સુલનો ઓર્ડર આપ્યો હતો અને દરેક કેપ્સુલની અંદર આશરે 1 ગ્રામ જેટલું ઉંદર મારવાનું ઘાતક ઝેર ભેળવ્યું હતું.
આરોપી પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલાં જ પોલીસે 14,900 કેપ્સુલ સાથે તેને દબોચી લીધો હતો. મુંબઈ પોલીસની સમયસૂચકતાને કારણે હજારો લોકોના જીવ બચી ગયા છે. આટલી મોટી માત્રામાં ઝેર લાવીને જુલૂસને ટાર્ગેટ કરવા પાછળ આરોપીનો અસલી હેતુ શું હતો અને આ ષડયંત્રમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.