Tue Sep 15 2026

Logo

નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ હેઠળ પાંચ મહિનામાં ઉલ્લંઘનના ૫,૨૫૬ કેસ અને ૯૦ લાખનો દંડ વસૂલ

2026-09-03 07:53:00
Author: Sapna Desai
નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ હેઠળ પાંચ મહિનામાં ઉલ્લંઘનના ૫,૨૫૬ કેસ અને ૯૦ લાખનો દંડ વસૂલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈમાં પહેલી  એપ્રિલ, ૨૦૨૬ ના રોજ નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પેટા-નિયમો લાગુ થયા પછી મુંબઈ મહાનગરપાલિકાએ ૫,૨૫૬ કેસ ઉલ્લંઘનના નોંધ્યા છે, જેમાં કુલ ૯૦.૨૨ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા પેટા-નિયમોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવો, થૂંકવું અને ખુલ્લામાં લઘુશંકા કરવી અથવા મળત્યાગ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. 

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ફક્ત ઑગસ્ટ મહિનામાં જ ૧,૨૫૦ કેસ નોંધીને ૨૦.૧૯ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઑગસ્ટ મહિનામાં આંગણ અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવામાં મુંબઈગરા સૌથી પાછળ રહ્યા હતા અને તેને પગલે  ૪૯૨ કેસ નોંધીને  ૮.૧૫ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.  રસ્તાઓ, ફૂટપાથ, બગીચાઓ અને અન્ય જાહેર સ્થળો પર કચરો ફેંકવાના ૩૨૮ કેસ નોંધીને ૧.૭૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે કચરાના સ્રોતને અલગ કરવામાં નિષ્ફળ જવાના ૧૨૨ કેસ નોંધીને ૫૨,૯૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પાલિકાએ ક્ધસ્ટ્રકશન ઍન્ડ ડિમોલીશન (સીઍન્ડઈ) કચરા સામે પણ કડક કાર્યવાહી કરી છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર નીકળતા કાટમાળ અને બાંધકામ સાહિત્યને કારણે રસ્તા પર  ધૂળ અને વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ ગટર અને જાહેર જગ્યાઓમાં અવરોધ નિર્માણ થઈને પર્યાવરણીય નુકસાન થાય છે.  

પહેલી એપ્રિલથી ૩૧ ઑગસ્ટ દરમ્યાન પાલિકાએ ૪૧૯ સીઍન્ડઈ કચરા સંબંધિત કેસોમાં કાર્યવાહી કરીને ૩૧.૬૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આમાં અનધિકૃત ડમ્પિંગના ૩૪૯ કેસ, ૨૦.૭૬ લાખ રૂપિયાનો દંડ અને મંજૂર યોજના વિના સીઍન્ડઈ કચરાના પરિવહનના ૭૦ કેસ, ૧૦.૮૯ લાખ રૂપિયાનો દંડનો સમાવેશ થાય છે. ઑગસ્ટમાં ૬૫ સીઍન્ડઈ કચરાનું ઉલ્લંઘન નોંધાયું હતું, જેમાં કુલ ૮.૫૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમાંથી ૨૬ કેસ અનધિકૃત ડમ્પિંગના હતા અને ૩૯ કેસ મંજૂર યોજના વિના પરિવહનના હતા.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પેટા-નિયમના અમલીકરણની ઝુંબેશનો હેતુ ફક્ત દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકો, સંસ્થાઓ, કચરો ઉત્પન્ન કરનારાઓ, કૉન્ટ્રાક્ટરો  વચ્ચે જવાબદારી વધારવાનો છે.