હિંગોલી: હિંગોલીમાં દુકાનમાંથી નાણાં અને ભંગાર ચોર્યાની શંકા પરથી યુવકની બેરહેમીથી પીટાઇ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.મૃતકની ઓળખ શેખ શબ્બીર શેખ રફીક તરીકે થઇ હતી, જે આઝાદ કોલોનીનો રહેવાસી હતો અને હિંગોલી-ગરમાલ માર્ગ પર સોમવારે સવારના તે મૃત અવસ્થામાં મળ્યો હતો, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે શેખ શબ્બીરના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ કર્યા હતા. ફોટા જોઇને શેખ શબ્બીરના પરિવારજનોએ સાંજે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સાંજે તેમણે હોસ્પિટલમાં મૃતદેહને ઓળખી કાઢ્યો હતો.શબ્બીરના ભાઇએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જેમની ઓળખ સૌરભ પાટરે, નીતિન કોલ્હે અને શિવદાસ ઘાડે તરીકે થઇ હતી.
સ્થાનિક દુકાનમાંથી ભંગાર અને રોકડ ચોર્યાની શંકા પરથી આરોપીઓએ શબ્બીરની બેરહેમીથી પીટાઇ કરી હતી અને બાદમાં તેઓ ફરાર થઇ ગયા હતા. (પીટીઆઇ)
પ્રતીકાત્મક તસવીર