મુંબઈ: મુંબઈને સીટી ઓફ ડ્રીમ્સ કહેવામાં આવે છે. ખાસ કરીને ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો માટે આ શહેર સફળતા અને ચમક દમકનું પ્રતીક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સેલિબ્રિટીઝ પોતાના સુંદર ઘરો, આલીશાન ઈન્ટીરીયર અને લગઝરી લાઇફસ્ટાઇલની તસવીરો શેર કરતા રહે છે, પરંતુ ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ તાજેતરમાં જ પોતાના ઘરનો વીડિયો બતાવ્યો તે આ ચમકતી તસ્વીરથી તદ્દન અલગ જ છે. 'એમટીવી રોડીઝ 8' ની વિજેતા રહી ચૂકેલી આંચલે પોતાના મુંબઈ સ્થિતના 1 બીએચકે ભાડાના ફ્લેટનો એવો ટુર કરાવ્યો, જેમાં તેમને વગર કોઈ બનાવટ પોતાના રોજબરોજના જીવનની ઝલક બતાવી હતી.
70 હજારનું ભાડું આપું છું પણ
આંચલે પોતાના વ્લોગમાં કહ્યું કે જે ફ્લેટમાં હાલમાં તે રહે છે તેનું માસિક ભાડું 70 હજાર રૂપિયા છે. આટલા ભાડું આપવા છતાં ઘરની આસપાસ કોઈ ભવ્ય ગાર્ડન, સ્વિમિંગ પુલ કે સમુદ્રનો સુંદર વ્યૂ નથી, પરંતુ તેમના ફ્લેટની ચારેબાજુ ઝૂંપડપટ્ટીઓ દેખાય છે. તેણે કહ્યું કે મુંબઈમાં ઘર ખરીદવું તેના માટે હજુ ઘણી દૂરની વાત છે. તેણે મજાકમાં કહ્યું કે જે રીતે મોંઘવારી વધી રહી છે અને ઇન્ડસ્ટ્રીની સ્થિતિ છે, તેમને અહીંયા પોતાનું ઘર ખરીદવામાં 400થી 500 વર્ષ લાગી શકે છે.
કિચન અને વિન્ડો બહાર ઝુપડપટ્ટીઓનો વ્યૂ
વ્લોગની શરૂઆતમાં આંચલે પોતાના ઘરનું નાનું રસોડું બતાવ્યું, અને કહ્યું કે સીમિત જગ્યાના લીધે ત્યાં જ તેને વોશિંગ મશીન રાખવું પડે છે. ત્યારબાદ તેણે કેમેરા બારી તરફ ફેરવી વ્યુ બતાવ્યો હતો. જ્યાં સામાન્યરીતે સેલિબ્રિટી હોમ ટુરમાં સ્કાયલાઇન, સમુદ્ર કે ભવ્ય ઇમારતો દેખાય છે, પરંતુ તેના ઘરની બહાર ઝૂંપડપટ્ટી નજરે પડે છે. આંચલે આગળ કહ્યું કે આટલા બજેટમાં મુંબઈમાં હાલમાં તે આવી હાલતમાં રહે છે.
ડિઝાઈનર બેગ્સ પણ બતાવ્યા
આંચલના ઘરનો એક રસપ્રદ ભાગ તેનો વોર્ડરોબ છે. તેણે પોતાના કપડાંની સાથે સાથે ડિઝાઈનર હેન્ડબેગ્સનું કલેક્શન પણ બતાવ્યું હતું, જેમાં આગળ તેણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે તેની પાસે તો કોઈ હેન્ડબેગ જ નથી પરંતુ ત્યાર બાદ તેણે એક પછી એક બેગ્સ બતાવવાનું શરૂ કર્યું હતું. તેના કલેક્શનમાં જાણીતી બ્રાન્ડ્સની બેગો બતાવી હતી.
આંચલે પોતાના બેડરૂમ અને ઘરના અન્ય ભાગોને બિલકુલ સજાવ્યા વગર બતાવ્યા હતા. તેણે કહ્યું કે સામાન્યરીતે લોકો ઘરનો વીડિયો બનાવતા પહેલા દરેક વસ્તુને વ્યવસ્થિત કરી લે છે, પરંતુ તે પોતાના ઘરને જેવું છે તેવું જ બતાવવા માંગતી હતી. ત્યારે જ ઘરની સાફસફાઈ અને અસ્તવ્યસ્ત સામાનને લઈને તેણે મજાકના અંદાજમાં કહ્યું કે સામાન્ય વ્યક્તિની જેમ જ તે પોતાના ઘરમાં રહે છે. તેના ફ્લેટમાં એક નેનો એવો રૂમ છે જેમાં તે પહેરેલા ગંદા કપડાં, બેગ અને પૂજા-પાઠના સામાન માટે કરવામાં આવે છે. આ સિવાય તેણે મહેમાનો માટે રાખેલા રૂમને ઘણીવાર કપડાં સૂકવવા માટે કામ આવે છે. આંચલે કહ્યું કે તેનો ફ્લેટ 13 માં માળ પર છે.
14 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છતાં ઘરનું ઘર નથી
આંચલ ખુરાનાએ 'એમટીવી રોડીઝ 8' જીત્યા બાદ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેણે અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. જેમાં 'સપને સુહાને લડકપન કે' અને 'બડે અચ્છે લગતે હૈ' જેવા ટીવી શોઝમાં કામ કર્યું છે. તે હાલમાં કલર્સ ટીવીના શો 'તું જુલિયટ જટ્ટ દી'નો પણ ભાગ છે. મુંબઈમાં પોતાનું ઘર નહીં ખરીદી શકવાની વાત આંચલે પોતાના અંદાજમાં વ્યક્ત કરી જેના કારણે તેનો આ વ્લોગ પણ ચર્ચામાં છે કારણ કે તેણે તેમાં સેલિબ્રિટીઝ લાઈફની ચમકની જગ્યાએ પૂરી વાસ્તવિકતા રજૂ કરી હતી.