અમદાવાદઃ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. જોકે તેમ છતાં 77 જળાશયોમાં 25 ટકાથી ઓછો સંગ્રહ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 84.38 ટકા વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં 48.52 ટકા, ઉત્તર ગુજરાતમાં 63.29 ટકા, પૂર્વ મધ્યમાં 84.97 ટકા, સૌરાષ્ટ્રમાં 65.14 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 112.32 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 95.42 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 68.21 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 23 ડેમ 100 ટકા ભરાયેલા છે. 38 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 25 ડેમ 50 થી 70 ટકા અને 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 77 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં 39 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે.
આ ડેમ 100 ટકા ભરાયા
રાજુલાનો ધાતરવાડી, રાજુલાનો ધાતરવાડી-2, ખાંભાનો રાયજી, સાવરકુંડલાનો સુરજવાડી, નેત્રંગનો પિંગુટ, નેત્રંગનો બલદેવા, ઝગડિયાનો ધોળી, તળાજાનો પિંગળી, મહુવાનો રોજકી, પાલિતાણાનો ખારો, પાલિતાણાનો હણોલ, બરવાળાનો ખાંભડા, રાણપુરનો ઉતાવળી, લીમખેડાના ઉમરિયા, ઝાલોદનો કાળી-2, સાગબારાનો ચાપડવાવ, સાગબારાનો કાકડી અંબા, વાંસદાનો કેલિયા, વાંસદાનો જૂજ, રાજકોટના લાલપરી, પડધરીનો ન્યારી-2, માંડવાનો લખીગામ, સોનગઢનો ડોસવાડા
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે સોમવારે જાહેર કરેવા પૂર્વાનુમાન મુજબ મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 16 થી 18 સપ્ટેમ્બર રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બર સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.