Mon Oct 05 2026

Logo

સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન બંધ: શું પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે?

2026-09-15 16:57:55
Author: Mumbai Samachar Team
સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન બંધ: શું પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે?

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની અછત સર્જાવાના અને ઈંધણ મોંઘા થવાના એંધાણ

નવી દિલ્હી/દુબઈઃ ઈરાન સમર્થિત હૂતીઓના હુમલા બાદ મિડલઈસ્ટમાં ફરીવાર માહોલ યુદ્ધનો બની રહ્યો છે. આ હુમલા બાદ ચોક્કસ સમયના અંતર પછી મિડલઈસ્ટનું વાતાવરણ તણાવગ્રસ્ત બની રહ્યું છે. ખાસ કરીને ઈરાનથી લઈને દુબઈ સુધીના આખા વિસ્તારમાં ક્રૂડ ઉત્પાકોના પેટમાં તેલ રેડાયું છે. સાઉદી અરેબિયાએ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને શુક્રવારે પોતાની એક ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન બંધ કરી દીધી છે. આના કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની અછત ઊભી થાય એવા પૂરા એંધાણ છે. 

તેલની અછત ઊભી થવાની શક્યતાએ ન માત્ર તેલની કિંમત પણ અન્ય કોમોડિટીઝને પણ આની સીધી અસર પહોંચવાની પૂરી શક્યતાઓ છે. હૂતીઓએ એવા સમયે હુમલો કર્યો છે જ્યારે સમગ્ર દુનિયા મિડલઈસ્ટમાં યુદ્ધના માહોલને લઈને તેલની ચિંતા કરી રહી છે. ખાસ કરીને અછતના વાતાવરણમાં વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહી છે. 

ક્રૂડ માર્કેટમાં ખળભળાટ

હૂતીઓએ કરેલા હુમલાએ ક્રૂડ માર્કેટમાં હડકંપ મચાવી દીધો છે. પાઈપલાઈન ઠપ છતા ક્રૂડની કિંમતમાં અણધાર્યો અચાનક ઉછાળો પણ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ 109 ડૉલરને પાર થતા સપ્લાય ચેઈન ફરીવાર તૂટે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. આનાથી ફરીવાર ગ્લોબલ લેવલ પર ફ્યુઅલ ક્રાઈસીસ ઊભા થાય એવી આશંકા છે, એવું નિષ્ણાંતોનું કહેવું છે. આ પાઈપલાઈન મિડલઈસ્ટમાં ક્રૂડ માટેનો મુખ્ય સ્ત્રોત છે, જે ક્રૂડ ઓઈલને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બદલે રાતા સમુદ્ર સુધી પહોંચાડે છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ સમુદ્રી રસ્તો છે જ્યાંથી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાએ ઈઝરાયલના સહારે હુમલા કરીને 20 ટકા ઓઈલ સપ્લાયને ખોરવી નાંખી હતી. હૂતીઓએ રાતા સમુદ્રના એ મહત્ત્વના શિપિંગ પોઈન્ટને કંટ્રોલ કરી લીધો છે, જ્યાંથી સાઉદી અરેબિયાની નિકાસ થાય છે. આ કારણે અહીંયા જોખમ દિવસ કરતા રાતનું વધી ગયું છે. 

હજુ પણ કેટલાક એવા વિકલ્પો છે, જે કામ કરી શકે છે પણ હોર્મુઝમાં ટેન્કરની આવ-જા જોખમી છે. આ વિધ્ન આગળ જતા સપ્લાય ચેઈનમાં મોટી અડચણ ઊભી કરી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.24 ડૉલરના વધારા સાથે 106.39 ડૉલર/બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 

નિષ્ણાંતોની પ્રતિક્રિયા

માર્કેટના નિષ્ણાંતો એવું કહે છે કે, હાલમાં દરેક દેશના વેપારીઓ નવા હુમલાને ક્રૂડ ઓઈલની સપ્લાય સાથે જોડી રહ્યા છે. આને એક જોખમ માની રહ્યા છે. આનાથી આવનારા દિવસોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે અને જે ઉછાળા છે એ નવા ભાવ સાથે તફાવત મોટો થઈ શકે છે. 

ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન સાઉદી અરેબિયામાં આશરે 1200 કિમી સુધી ફેલાયેલી છે, જે પર્શિયલ ગલ્ફમાં એક પ્રોસેસિંગ સુવિધા સાથે ક્રૂડને પશ્ચિમ તરફ સતત વહન કરી જાય છે. એ રાતા સમુદ્ર સુધી પહોંચે છે. જ્યાંથી ક્રૂડ ઓઈલને ટેન્કરમાં ભરવામાં આવે છે જે સુએજ નહેરના રસ્તેથી ઉત્તર યુરોપના દેશમાં પહોંચે છે. 

હવે ચિંતા એ વાતની છે કે, ઉત્તર યુરોપના દેશમાં ક્રૂડ અને ક્રૂડને સંબંધિત કોમોડિટી મોંઘી થવાના પૂરા એંધાણ છે. આ પાઈપલાઈન વર્ષ  1980ના દાયકામાં એ ડર સાથે તૈયાર કરવામાં આવી હતી કે ઈરાન-ઈરાક વચ્ચે યુદ્ધ દરમિયાન તેહરાન હોર્મુઝથી થનારા શિપિંગ ઑપરેશનમાં બ્રેક લગાવી શકાય. પણ પાઈપલાઈન ક્રૂડના વહન માટે આટલો મોટો સ્ત્રોત સાબિત થશે એની ક્યાં ખબર હતી.?

ખાડીમાં તણાવગ્રસ્ત માહોલ

જ્યારે હોર્મુઝમાંથી શિપિંગ ઑપરેશન બંધ હતા એ સમયે પણ મોટાભાગના ટેન્કર બંધ રહ્યા હતા. એ સમયે મિડલઈસ્ટમાંથી તેલની સપ્લાય યથાવત રાખવા આ જ પાઈપલાઈનનો સૌથી વધુ ઉપયોગ થયો હતો. હૂતીઓએ સાઉદ અરેબિયાના સાઉથ સેક્ટરમાં આવેલા ખમીસ મુશૈત સૈન્ય એરબેઝ પર હુમલો કર્યો હતો. 

આ હુમલામાં એરક્રાફ્ટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને કેટલાક શસ્ત્રોને ભારે નુકસાન થયું છે. આ પહેલા સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન સાઈટને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. હવે પાઈપલાઈન બંધ થતા અને ખાડીના દેશમાં તણાવગ્રસ્ત માહોલ ઊભો થતા અન્ય રસ્તા પર બાયપાસ કરીને ક્રૂડ પહોંચાડવું સરળ નથી અને હાલમાં શક્ય પણ નથી. 

માર્કેટ નિષ્ણાંતો એવું કહે છે કે, લાંબા સમય સુધી પાઈપલાઈન બંધ રહેશે તો ક્રૂડ ઓઈલની કિંમત ફરી કોઈ ભાવવધારાનો રેકોર્ડ બનાવી શકે છે. આની અસર ઈન્ટરનેશનલ લેવલ સુધી થશે. રશિયા અને યુક્રેન વચ્ચે પણ ડખા ચાલી રહ્યા છે એવામાં માર્કેટમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. ખાસ કરીને ક્રૂડ માર્કેટમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાય એવી શક્યતા છે.