જયપુર/નદબઈ: રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો મળ્યા હતા, જ્યાં ભાજપના ગઢમાં કોંગ્રેસની જીત અને અમુક વિસ્તારોમાં ભાજપનો દબદબો રહ્યો હતો, પરંતુ એમાં એક અપક્ષના ઉમેદવારની જીત પછી પરિવારને સૌથી મોટો ઝટકો મળ્યો હતો. એક અપક્ષ ઉમેદવારે માત્ર એક મતના અંતરથી જીત મેળવી હતી, પરંતુ એના પછી માતાનું નિધન થયું હતું.
નદબઈ નગરપાલિકાના વોર્ડ નંબર છમાં અપક્ષ ઉમેદવાર જગદીશ પ્રસાદને 151 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર રામશરણને 150 વોટ મળ્યા હતા. આ રીતે જગદીશ પ્રસાદે ભાજપના ઉમેદવારને માત્ર એક વોટથી હરાવીને જીત મેળવી હતી. આ ચૂંટણી પરિણામની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જગદીશ પ્રસાદની માતાએ પણ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ બીજા જ દિવસે તેમનું અવસાન થયું હતું.
હવે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેમની માતાનો વોટ જ દીકરાની જીત માટે નિર્ણાયક સાબિત થયો હતો. જગદીશ પ્રસાદ ચૂંટણી જીતી ગયા છે, પરંતુ પરિવાર પર માતાના નિધનનું દુઃખ છવાયેલું હોવાથી જીતની ખુશી પરિવારના ચહેરા પર જોવા મળી રહી નથી.
એક વોટથી નક્કી ચૂંટણીનું પરિણામ
નદબઈ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં સવારથી મતગણતરી ચાલી રહી હતી. શરૂઆતમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં બંને ઉમેદવારો વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી હતી. દરેક વોટ મહત્વનો બની ગયો હતો.
અંતે જ્યારે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે જાણવા મળ્યું કે અપક્ષ ઉમેદવાર જગદીશ પ્રસાદને 151 મત, જ્યારે ભાજપના ઉમેદવાર રામશરણને 150 મત મળ્યા હતા. પરિણામે જગદીશ પ્રસાદને માત્ર એક મતથી વિજય મળ્યો હતો. આ એક વોટને લઈને વિસ્તારમાં ખાસ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ખાસ કરીને જગદીશ પ્રસાદની માતાએ નાખેલા મતનો ઉલ્લેખ કરી રહ્યા છે.
મતદાન કર્યા બાદ માતાનું થયું અવસાન
જગદીશ પ્રસાદની માતાએ ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ બીજા જ દિવસે તેમનું અવસાન થયું હતું. તેથી એક તરફ દીકરાની એક વોટથી જીતના સમાચાર આવ્યા, તો બીજી તરફ પરિવાર માતાના નિધનના શોકમાં ડૂબેલો હતો.
મતગણતરી બાદ જગદીશ પ્રસાદની જીતની ખબર મળતાં લોકો તેમના ઘરે પહોંચવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની માતાના મતની પણ ચર્ચા થઈ હતી. લોકોનું કહેવું હતું કે જ્યારે આખું ચૂંટણી પરિણામ માત્ર એક મતના અંતરથી નક્કી થયું, ત્યારે તેમની માતાનો મત ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો.
નગરપાલિકા ચૂંટણીમાં અનેક ઉમેદવારોએ મોટા અંતરથી જીત મેળવી છે, પરંતુ નદબઈના વોર્ડ નંબર છનું પરિણામ ખૂબ જ નજીકની ટક્કરને કારણે ચર્ચામાં રહ્યું હતું. અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવારને હરાવીને જગદીશ પ્રસાદે જીત મેળવી હતી, પરંતુ માતાના નિધનના કારણે આ જીત પરિવાર માટે ખુશી કરતાં વધુ ભાવુક ક્ષણ બની ગઈ હતી.