Tue Oct 06 2026

Logo

ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સોશિયલ મીડિયા પર હતા 25 હજાર ફોલોઅર્સ

2026-09-15 13:52:00
Author: Mayur Patel
ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સોશિયલ મીડિયા પર હતા 25 હજાર ફોલોઅર્સ

ગાંધીનગરઃ શહેરમાં વધુ એક પોલીસકર્મીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. ગાંધીનગરના સેક્ટર-3Dમાં રહેતા 28 વર્ષીય મહિલા લોકરક્ષક કોન્સ્ટેબલ જ્હાન્વી ડાભીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. મૃતક અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં હતા. સોશિયલ મીડિયા પર તેના 25 હજાર ફોલોઅર્સ હતા.

શું છે મામલો

મૃતક મહિલા કોન્સ્ટેબલ 14 સપ્ટેમ્બરે રાત્રિની નોકરી પતાવી તેઓ સવારે ગાંધીનગર સ્થિત ઘરે પહોંચ્યા હતા. રૂમમાં ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારે તપાસ કરી હતી. દરવાજો ન ખોલતાં આસપાસના લોકોની મદદથી અંદર જોયું તો તેઓ પંખે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ  જ્હાન્વી ડાભીના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર તેમના 25 હજારથી વધુ ફોલોઅર્સ હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આટલી નાની ઉંમરે તેમણે શા માટે આ પગલું ભર્યું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. સેક્ટર-7 પોલીસ હાલ પરિવાર અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે. ઘટનાના પગલે પોલીસબેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jahanvi Dabhi (@jahanvi4800)

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગાંધીનગમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો તેવી આ ત્રીજી ઘટના હતી. જૂન મહિનામાં ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૂળ મહેસાણાના વતની અને છેલ્લા બે વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ  તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા. તેમના પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, ત્યારે એકલતાનો લાભ લઈ પર્વએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના પહેલાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પેથાપુરમાં પોતાના ઘરે આ વર્ષની શરૂઆતમાં ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો.