થાણે: મીરા રોડમાં મોડી રાતના ફાઉન્ટન બ્રિજ પર આત્મહત્યા કરવા માટે ગયેલા પરિવારના ચાર સભ્યને બે બીટ માર્શલની સમયસરની સતર્કતાને કારણે અટકાવવામાં આવ્યા હતા.
મીરા-ભાયંદર વસઇ-વિરારના પોલીસ કમિશનર નિકેત કૌશિકને સોમવારે મધરાતે 1.58 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક વ્યક્તિ તેની પત્ની અને બે પુત્રીઓ સાથે ફાઉન્ટન બ્રિજ પર આત્મહત્યાનો પ્રયાસ કરી રહી છે.
માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનરે તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને તેની જાણ કરી હતી અને પોલીસ કર્મચારીઓને ત્યાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આથી ક્ધટ્રોલ રૂમે કાશીગાંવ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પર હાજર પોલીસ હૅડ કોન્સ્ટેબલ સંતોષ ધુળા કોકરે અને કોન્સ્ટેબલ વિકાસ શ્રીરંગ મોહિતેને કૉલ કરીને ઘટનાસ્થળે પહોંચવા માટે કહ્યું હતું.
દરમિયાન સંતોષ કોકરે અને વિકાસ મોહિતે ક્ષણભરનો વિચાર કર્યા વિના માત્ર 20 મિનિટની અંદર ફાઉન્ટન બ્રિજ પર પહોંચી ગયા હતા અને પત્ની અને બે પુત્રી સાથે ત્યાં હાજર 28 વર્ષના શખસને તાબામાં લીધો હતો.પૂછપરછમાં શખસે જણાવ્યું હતું કે તે મીરા રોડ પૂર્વમાં શાંતિ પાર્ક વિસ્તારમાં પત્ની, બે પુત્રી અને સંબંધીઓ સાથે રહે છે અને ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. નાણાભીડને કારણે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.
ડિલિવરી બૉયે પોલીસને જણાવ્યું હતું કે તેણે કેટલાક મહિના અગાઉ તેની બહેન પાસે દાગીના ગિરવે મૂકીને સાડાત્રણ લાખ રૂપિયા લીધા હતા. જોકે તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગિરવે મૂકેલા દાગીના તેની બહેન છોડાવે અને તેને વેચીને બાકીના પૈસા તેને પાછા આપે, એવી તેને અપેક્ષા હતી. દરમિયાન ડિલિવરી બૉય અને તેની પત્નીને કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કૌટુંબિક વિવાદ ઉકેલવા માટે તેના ભાઇ-બહેન સાથે મધ્યસ્થી કરી હતી.
પ્રતીકાત્મક તસવીર (AI)