(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગપાડામાં મૌલાના શૌકત અલી રોડ પર બેસતા જૂના ફર્નિચરના વેપારીઓ સામે તેમ જ અતિક્રમણ કરનારા સામે મુંબઈ મહાનગરપાલિકાના ‘ઈ ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તેને હટાવી દેવામાં આવ્યા હતા. ‘ઈ ’ વોર્ડ દ્વારા મૌલાના શૌકત અલી રોડ પર ખાસ કરીને મુરલી દેવરા આઈ હૉસ્પિટલથી જે.જે. હૉસ્પિટલ સિગ્નલ સુધીના પરિસરમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું હોવાથી રાહદારીઓને ચાલવામાં અડચણ આવી રહી હતી.
હદારીઓને ફૂટપાથને બદલે રસ્તા પર ચાલવું પડતું હતું અને તેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનોને કારણે તેમની સુરક્ષા સામે જોખમ નિર્માણ થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાના ‘ઈ ’ વોર્ડના પરીક્ષણ અને અતિક્રમણ નિર્મૂલન વિભાગની ટીમે મુંબઈ પોલીસની મદદથી આ ઝુંબેશ હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમ્યાન મૌલાના શૌકત અલી રોડ પર ફર્નિચરનું વેચાણ કરનારા સામે આકરા પગલાં લેવામાં આવ્યા હતા. ફૂટપાથ પર જૂના રહેલા ફર્નિચરને જેસીબીની મદદથી જગ્યા પરથી નષ્ટ કરવામાં આવ્યા હતા. એ સાથે જ તોડી પાડવામાં આવેલા ફર્નિચરનો કચરો પણ તાત્કાલિક હટાવવામાં આવ્યો હતો. ફૂટપાથ પરના તમામ અતિક્રમણ હટાવી દેવામાં આવ્યા હતા. તેમ જ પરિસરમાં રહેલા ગેરકાયદેસરના ફેરિયાને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. તેથી આખા પરિસરનો રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો થઈ ગયો હતો.