(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં અનધિકૃત ફેરિયાઓ વિરુદ્ધની કાર્યવાહી દરમ્યાન ટોળાએ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓની કરેલી મારપીટના પ્રકરણ બાદ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ તમામ અનધિકૃત ફેરિયાઓ તથા ફૂટપાથ પર અતિક્રમણ કરનારા દુકાનદારો સામે આકરા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
કાંદિવલીમાં લોખંડવાલા સર્કલ પરિસરમાં શુક્રવારે ફેરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલા કર્મચારી અને અધિકારીઓની ફેરિયાઓ દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સમતાનગર પોલીસે ગુનો નોંધીને પાંચની ધરપકડ પણ કરી હતી. આ ઘટનાના બે દિવસ બાદ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કાંદિવલીમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ દુર્ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
મુંબઈમાં ગેરકાયદે બાંધકામ તથા ગેરકાયદે ફેરિયાઓ સામે વખતોવખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે પણ પાલિકાની કાર્યવાહી પૂરી થવાની સાથે જ તરત ફેરિયાઓ જગ્યા પર અંડિગો જમાવી બેસતા હોય છે. શુક્રવારે કાંદિવલીમાં વિશ્ર્વકર્મા ચોક (લોખંડવાલા સર્કલ)માં ફેરિયાઓ હટાવવા ગઈ એ દરમ્યાન પાલિકાના કર્મચારી અને અધિકારીઓની ટીમ થયેલી મારપીટના મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ પરિસરમાં રહેલા તમામ અનધિકૃત ફેરિયાઓ તેમ જ ફૂટપાથ પર અવરોધ નિર્માણ કરનારા દુકાનદારો સામે તાત્કાલિક અને આકરા પગલાં લેવાનો કમિશનરે નિર્દેશ આપ્યો હતો.
તેમ જ રસ્તા પર અને ફૂટપાથ પર ડિલિવરી કરવા માટેની ટૂ-વ્હીલર ઊભા રાખીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારી પીઝાની દુકાનને પણ બંધ કરવાનો આ સમયે કમિશનરે નિર્દેશ આપ્યો હતો. શુક્રવારના અધિકારી અને કર્મચારીઓની મારપીટ દરમ્યાન ચોંકાવનારી બાબત જણાઈ આવી હતી જેમાં મારપીટ કરનારાઓમાં ફેરિયાઓ સાથે સ્થાનિક કોલેજના વિદ્યાર્થીઓનો પણ સહભાગ હોવાનું જણાઈ આવ્યું છે. તેથી સંબંધિત કોલેજને આ બાબતે સૂચના આપીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.