Tue Jun 23 2026

Logo

હડતાળ પાછી ખેંચાયા છતાં અડધોઅડધ ડ્રાઈવર ડ્યૂટી પર ન જોડાતાં 70 ટકા જ બસો દોડી

2026-06-22 20:45:10
Author: Yogesh C. Patel
Article Image

સવારના સમયે તો માત્ર 57 ટકા બસો રસ્તા પર આવી: બસ સ્ટોપ પર પ્રવાસીઓની લાંબી લાઈનો: મેટ્રો અને લોકલ ટ્રેનો તરફ ધસારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લાંબા સમયથી પડતર માગણીઓને લઈ ત્રણ દિવસ સુધી ચાલેલી બેસ્ટના કર્મચારીઓની હડતાળ પાછી ખેંચવામાં આવ્યા છતાં સોમવારે પ્રવાસીઓની હાલાકી ઓછી થઈ નહોતી. સવારના પિક અવર્સના સમયે માત્ર 57 ટકા જ બસો દોડતાં અનેક ઠેકાણે બસ સ્ટોપ પર પ્રવાસીઓની લાંબી લાઈન જોવા મળી હતી, જેને પગલે મેટ્રો અને લોકલ ટ્રેનો તરફ લોકોનો ધસારો વધી ગયો હતો. બપોર સુધી બેસ્ટના અડધોઅડધ ડ્રાઈવરો ડ્યૂટી પર જોડાયા જ નહોતા, જેને કારણે શિડ્યુલ કરાયેલી બધી બસો રસ્તા પર આવી શકી નહોતી.

બેસ્ટ દ્વારા 2,766 જેટલી બસો દોડાવવામાં આવે છે, જેમાં રોજના પચીસ લાખ પ્રવાસી મુસાફરી કરે છે. રેલવે બાદ પરિવહન માટે મુંબઈગરાઓ માટે બેસ્ટની બસો સેક્ધડ લાઈફલાઈન ગણાય છે. લાંબા સમયથી પડતર માગણીને લઈ બેસ્ટની સંયુક્ત કામગાર કૃતિ સમિતિ દ્વારા ગુરુવારની રાતથી હડતાળ જાહેર કરવામાં આવી હતી. શુક્રવારથી ત્રણ દિવસ સુધી આ હડતાળ ચાલી હતી. બાદમાં રવિવારની રાતે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા બેસ્ટ ઍક્શન કમિટી સાથે બેઠક થઈ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય પછી હડતાળ સમેટાઈ ગઈ હતી.

જોકે હડતાળ પાછી ખેંચવામાં આવ્યા છતાં સોમવારની સવારે બેસ્ટની માત્ર 57 બસો જ દોડી શકી હતી. બેસ્ટના સવારના આઠ વાગ્યાની આંકડા અનુસાર 2,527 બસો દોડાવવાનું નક્કી થયું હતું, પણ માત્ર 1,436 બસ જ દોડી શકી હતી. આની પાછળનું કારણ 1,454 ડ્રાઈવરની સામે માત્ર 835 ડ્રાઈવર જ ફરજ પર હાજર થયા હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી બેસ્ટની પોતાની 165 બસ, જ્યારે વેટ-લીઝ પરની 2339ની સામે માત્ર 1,271 બસ દોડી હતી.

સવારે પિક અવર્સના સમયે જ બસનાં ફાંફાં હોવાથી અનેક બસ સ્ટોપ પાસે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી હતી. કંટાળીને અનેક પ્રવાસી મેટ્રો તરફ વળ્યા હતા. મોટા ભાગના લોકલ ટ્રેનથી તેમના સ્થળે પહોંચ્યા હતા.
બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ ડ્રાઈવરોની સંખ્યા અડધી જ હોવાથી પ્રવાસીઓની હાલાકી ઓછી થઈ નહોતી.

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 2,902ની સામે 2,008 બસ રસ્તા પર આવી હતી. બેસ્ટના કહેવા મુજબ 9,921 ડ્રાઈવરને બદલે 5,923 ડ્રાઈવર જ કામે જોડાયા હતા. અડધોઅડધ ડ્રાઈવરની ગેરહાજરીને કારણે બસો ઓછી દોડી હતી. આમાં વેટ-લીઝની બસના ડ્રાઈવરો 4,183ની સામે માત્ર 1,840 જ હાજર રહ્યા હતા. એ જ રીતે ક્ધડક્ટરોની પણ સંખ્યા અડધી જ હતી.