(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ફૂટપાથ પર મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે અતિક્રમણ થઈ જવાને કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવું પડે છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના અતિક્રમણને તોડી પાડવાની કામગીરી સતત હાથ ધરાતી હોય છે. તાજેતરમાં અંધેરી વિસ્તારમાં ફૂટપાથ પરની નવ અનધિકૃત દુકાનોને પાલિકા દ્વારા કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવી હતી.
અંધેરી પશ્ર્ચિમમાં ફૂટપાથ પર દુકાનો અને શેડ ઉભા કરીને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઉભો કરતી નવ અનધિકૃત દુકાનો સામે ગુરુવાર, ૧૮ જૂન, ૨૦૨૬ ના પાલિકાના
‘કે-પશ્ર્ચિમ’ વોર્ડ દ્વારા હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ઝોન ચારના ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ અંતર્ગત અંધેરીના ફન રિપબ્લિક રોડ પરની એક દુકાન ખાલી કરાવવામાં આવી હતી. તો એક ગેરકાયદે દુકાન પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. અંધેરી પશ્ર્ચિમમાં વીરા દેસાઈ રોડ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં આઠ ગેરકાયદે દુકાનો હટાવવામાં આવી હતી. એ ઉપરાંત ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા શેડ અને પગથિયા પણ તોડી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીને કારણે આ વિસ્તારમાં આવેલી ફૂટપાથ અતિક્રમણ મુક્ત થઈ ગઈ હતી અને હવે રાહદારીઓ માટે અવરજવર કરવી સરળ બની ગઈ છે. આ કાર્યવાહી દરમ્યાન અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.