(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના સૌથી પ્રદૂષિત ગણાતા દેવનાર, બીકેસી અને મલાડ જેવા વિસ્તારોમાં પ્રદૂષણને નજીકથી ટ્રેક કરવા માટે ૭૫ સેન્સર સાથે મુંબઈ એર નેટવર્ક ફોર એડવાન્સ સાયન્સિસ (એમએએનએએસ) નામની હાઈપર લોકલ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુર( આઈઆઈટી-કાનપુર) દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ મુંબઈના હાલની એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્કને વધુ મજબુત બનાવશે અને પ્રદૂષણના સ્રોતને વધુ ચોક્કસ રીતે ઓળખવામાં મદદરૂપ થઈ રહેશે એવું માનવામાં આવે છે. મુખ્યત્વે મુંબઈમાં દેવનાર, બીકેસી, મલાડ, વરલી જયાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ઊંચો નોંધાતો હોય છે તે વિસ્તાર પર નજર રાખશે. દેવનાર જેવા કચરો બાળવાનું સાામન્ય સ્થળ છે જયારે બીકેસી અને કોલાબામાં જેવા વિસ્તારોમાં ટ્રાફિકની ગીચતા વધુ હોય છે.
હાલમાં મુંબઈમાં ૬૦૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૨૮ ક્ધટીન્યુઅલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ (સીએએક્યુએમએસ) છે, જે દર ૨૧ ચોરસ કિલોમીટર માટે આશરે એક મોનિટરિંગ સ્ટેશન ગણાય છે. એમએએનએએસ હેઠળ વધારાના ૭૫ સેન્સર ઉમેરવાથી મોનિટરિંગ ગ્રીડ દર પાંચથી છ કિલોમીટર માટે લગભગ એક સેન્સર અથવા સ્ટેશનને કવર કરશે, જેનાથી મોનિટરિંગ ક્ષમતા ચાર ગણી વધી જશે. આ સિસ્ટમથી જયાં સતત હવાની ગુણવત્તા કથળીને એર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો નોંધાયા છે તે વિસ્તાર પર ધ્યાન રાખી શકાશે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ મુંબઈના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત નબળી રહી છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી ૧૨ માર્ચ દરમ્યાન દેવનાર, અંધેરી પૂર્વમાં ૫૪ દિવસ ખરાબ હવા નોંધાઈ હતી, જ્યારે મલાડમાં ૫૩ દિવસ ખરાબ હવા નોંધાઈ હતી. કોલાબા અને બીકેસીમાં અનુક્રમે ૫૦ અને ૪૫ દિવસ હવા ખરાબ નોંધાઈ હતી.પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આવતા મહિને સેન્સર માટેની જગ્યા બાબતે અંતિમ સ્વિરૂપ આપવા ૧૫ દિવસનો અભ્યાસ કરવાની યોજના છે અને મે મહિના સુધીમાં મોનિટરિંગ સિસ્ટમને ચાલુ કરવાની યોજના છે.