ઢાકા: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ની જીત બાદ તારીક રહેમાન આજે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરવાના છે. આ સાથે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે મુહમ્મદ યુનુસની જવાબદારી સમાપ્ત થવાની છે, પોતાના વિદાય ભાષણમાં યુનુસ ભારત ઉત્તરપૂર્વીય રાજ્યો અંગે વાંધાજનક ટીપ્પણી કરી છે.
યુનુસે તેના વિદાય ભાષણમાં કહ્યું કે બાંગ્લાદેશે વિદેશ નીતિમાં સાર્વભૌમત્વ, ગૌરવ અને સ્વતંત્રતા પાછી મેળવી લીધી છે અને હવે વિદેશ નીતિ બહારના નિર્દેશો દ્વારા સંચાલિત નથી થતી. તેમણે નેપાળ, ભૂતાન અને "સેવન સિસ્ટર્સ" સાથે આર્થિક સહયોગની વાત કરી.
યુનુસે ભ્ષણમાં કહ્યું, "આપણા ખુલ્લા સમુદ્રો સરહદો નથી, તે વૈશ્વિક અર્થતંત્રના પ્રવેશદ્વાર છે. નેપાળ, ભૂતાન અને સેવન સિસ્ટર્સ સાથે અપાર આર્થિક સંભાવનાઓ છે. ઇકોનોમિક ઝોન્સ, ટ્રેડ એગ્રીમેન્ટ અને ડ્યુટી-ફ્રી માર્કેટ ઍક્સેસ આપણને વૈશ્વિક ઉત્પાદનનાં કેન્દ્ર બની શકીએ છીએ."
ભારત વાંધો ઉઠાવી શકે છે:
નોંધનીય છે કે ભારતના ઉત્તરપૂર્વીય વિસ્તારના સાત રાજ્યોને "સેવન સિસ્ટર્સ" તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યો ભારતનો અભિન્ન અંગ છે. યુનુસે આર્થિક સહયોગની વાત કરતા નેપાળ અને ભૂતાન જેવા સાર્વભૌમ દેશોની સાથે “ભારત”નો ઉલ્લેખ કરવાને બદલે માત્ર "સેવન સિસ્ટર્સ"નો અલગથી ઉલ્લેખ કર્યો. ઉત્તરપૂર્વના કોઈ પણ રાજ્ય સાથેના વેપારને યુનુસે ભારત સાથેનો વેપાર ગણવવો જોઈતો હતો.
નોંધનીય છે કે ઉત્તરપૂર્વના રાજ્યો ભારતના અન્ય ભાગ સાથે પશ્ચિમ બંગાળની એક સાંકડી 22 કિલોમીટર પહોળી જમીનની પટ્ટી થી જોડાયેલા છે, જેને "ચિકન નેક", અથવા સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. આ 60 કિલોમીટર લાંબી પટ્ટી બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનથી ઘેરાયેલી છે, આ પ્રદેશ ખુબ જ સંવેદનશીલ છે, માટે યુનુસની આ ટીપ્પણી સામે ભારત વાંધો ઉઠાવી શકે છે.
ચીનનો પણ ઉલ્લેખ કર્યો:
વિદાય ભાષણમાં યુનુસે ચીન સાથે બાંગ્લાદેશના સંબંધો પર પણ ભાર મુક્યો. તેમણે ચીનના સમર્થનથી બની રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિનો ઉલ્લેખ કર્યો, જેમાં તીસ્તા નદી ઈનીશીએટીવ સમાવેશ થાય છે, જે ભારતના સિલિગુડી કોરિડોરની નજીક સ્થિત છે.
યુનુસે કહ્યું, "અમે ચીન સાથે સહયોગ વધુ ગાઢ બનાવ્યો છે. તિસ્તા નદી પ્રોજેક્ટ અને નીલફામારીમાં 1,000 બેડની આંતરરાષ્ટ્રીય હોસ્પિટલ પર નોંધપાત્ર પ્રગતિ થઈ છે."