Sun Jun 07 2026

Logo

સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટોપના ૨૦૦ મીટરનો પરિસર ‘નો પાર્કિંગ ઝોન’

2026-06-07 08:44:00
Author: Sapna Desai
Article Image


 ૧૦ દિવસ સ્પેશિયલ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસટીસી) દ્વારા ૧૦ દિવસ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં એસટીના બસ સ્ટોપથી ૨૦૦ મીટરના પરિસરમાં ગેરકાયદે રીતે મુસાફરોના પરિવહન સામે પ્રતિબંધ રહેશે. એસટીના કહેવા મુજબ ખાનગી સંચાલકોને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટના મુસાફરોને અને આવકને ફટકો પડે છે અને સાથે જ મુસાફરોની સલામતીની ચિંતા રહે છે. આ ઝુંબેશ પાંચ જૂનથી શરૂ થઈને ૧૫ જૂન સુધી ચાલુ રહેશે. આ ઝુંબેશનો  ઉદૃેશ્ય મહારાષ્ટ્રના તમામ એસટીના બસ સ્ટોપની આસપાસ ૨૦૦ મીટરના નો-પાર્કિંગ ઝોનને કડક રીતે લાગુ કરવાનો છે. 

રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના  ચેરમેન   પ્રતાપ સરનાઈકે અધિકારીઓને અનધિકૃત રીતે ખાનગી વાહનો દ્વારા એસટીના બસ સ્ટોપ પરથી પ્રવાસીઓને તેમના વાહનોમાં બેસાડનારા સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એ બાદ સિક્યોરિટી અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન આ ઝુંબેશ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યું છે.
એસટીના અધિકારીના જણાવ્યા મુજબ આ ઝુંબેશ બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચના આદેશનું પાલન કરીને હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મુસાફરોને પીકઅપ કરવા  અથવા ડ્રોપ કરવાના  હેતુથી બસ સ્ટેશનોની ૨૦૦ મીટરની અંદર ખાનગી વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં મહારાષ્ટ્રના તમામ ઝોન મેનેજરો અને ડિવિઝિનલ  કંટ્રોલરને  સંયુક્ત અમલીકરણ કામગીરી હાથ ધરવા અને નો-પાર્કિંગ ઝોનનો કડક અમલ સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સ્ટેટ ટ્રાન્સપોર્ટના  વાહનો સિવાયના ખાનગી વાહનોને મુસાફરોને ચઢવા અથવા ઉતારવા માટે બસ સ્ટેન્ડની ૨૦૦ મીટરની અંદરના વિસ્તારમાં તેમના વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણયનો અસરકારક અમલ સુનિશ્ર્ચિત કરવા અને ગેરકાયદેસર મુસાફરોના પરિવહનને રોકવા માટે કડક તકેદારી રાખવી જોઈએ એવું પણ પરિપત્રમાં જણાવાયું છે.

આ ઝુંબેશમાં મુંબઈ, પુણે, નાશિક, છત્રપતિ સંભાજીનગર, અમરાવતી અને નાગપુર સહિત સ્ટેટ ટ્રાન્સપોર્ટના તમામ ડિવિઝન  તેમજ રાજ્યભરની જિલ્લા કક્ષાની ઓફિસને  આવરી લેવામાં આવી છે. અધિકારીઓને વિભાગીય ટ્રાફિક અધિકારીઓ, ડેપો મેનેજરો, ટ્રાફિક ઈન્સ્પેકટર, આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પકેટર, ટ્રાફિક કંટ્રોલર સાથેની સંયુક્ત ટીમ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને તેમને સંયુક્ત રીતે કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.