અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નથી.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સાબરકાંઠાના પ્રાંતિજમાં 0.2 ઇંચ, સુરત શહેરમાં 0.16 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 0.16 ઇંચ, કચ્છના નખત્રાણામાં 0.12 ઇંચ, સાબરકાંઠાના ઇડરમાં 0.12 ઇંચ, ગાંધીનગરના માણસામાં 0.12 ઇંચ, તાપીના નિઝારમાં 0.12 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 0.12 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 0.08 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢમાં પણ 0.08 ઇંચ, તાપીના વાલોદમાં 0.08 ઇંચ, તાપીના ડોલવણમાં 0.08 ઇંચ, કચ્છના ભુજમાં 0.04 ઇંચ, રાજકોટના જેતપુરમાં 0.04 ઇંચ, નવસારીમાં 0.04 ઇંચ, અરવલ્લીના ભીલોડામાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે 20 જુલાઈ સુધી શું કરી છે આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી 20 જુલાઈ સુધીની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની સંભાવના નથી અને હવામાન શુષ્ક રહેશે. પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં 15 જુલાઈથી જ વરસાદી માહોલ જોવા મળશે. 16 જુલાઈથી મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત તશે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં 16 થી 20 જુલાઈ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.
સુરત, વડોદાર, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા અને છોટા ઉદેપુર આ તમામ જિલ્લાઓમાં 20 જુલાઈ સુધી સતત છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ 20 જુલાઈ સુધી ગાજવીજ સાથે મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
થોડા દિવસ પહેલા રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું શાંત થતાં જ અરેબિયન સી અને મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ ફેઝમાં આવશે. જેના કારણે 15 થી 20 જુલાઈના સમયગાળામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત (સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ) માં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી લઈ મધ્યમ વરસાદની શરૂઆત થશે. જો કે આ વરસાદ સાર્વત્રિક કે ખૂબ શક્તિશાળી નહીં હોય.
22 થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. આ સિસ્ટમના કારણે 25 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો બીજા રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વંચિત વિસ્તારોને સારો લાભ મળશે તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.