Tue Apr 21 2026

Logo

મીરા રોડમાં હત્યાના કેસમાં ફરાર સુપારી કિલર નવ વર્ષ બાદ ઝારખંડથી ઝડપાયો

2026-04-21 17:18:02
Author: Yogesh D Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મીરા રોડમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માગનારા શખસની કરાયેલી હત્યાના કેસમાં ફરાર સુપારી કિલરને ક્રાઇમ બ્રાન્ચે નવ વર્ષ બાદ ઝારખંડથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાજેશ ઉર્ફે ઉત્તમ મુનેશ્ર્વર રવિદાસ (38) તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે કાશીમીરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. રાજેશ રવિદાસે 2015માં ઝારખંડમાં દોઢ લાખ રૂપિયાની સુપારી લઇ એક વ્યક્તિની હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

મીરા રોડમાં કાશીમીરા પોલીસ સ્ટેશનની હદમાં કાશીગાંવ ખાતે રહેતા શામુ લહરી ગૌડ (40)ની 6 એપ્રિલ, 2017ની મધરાતે હત્યા કરવામાં આવી હતી. મધરાતે શામુ ગૌડના ઘરનો દરવાજો કોઇએ ખટખટાવ્યો હતો. શામુએ દરવાજો ખોલતાં અજાણ્યા શખસે ગોળી ધરબી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સુનીલકુમાર રજક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ હોઇ તેણે આ ગુનામાં જામીન મેળવવા માટે શામુ પાસેથી 2015માં પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે શામુ પાછા માગી રહ્યો હોવાથી તેમની વચ્ચે વિવાદ થયો હતો. આથી શામુની હત્યા કરવા માટે સુનીલકુમારે આરોપી રાજેશ રવિદાસને બે લાખ રૂપિયાની સુપારી આપી હતી. 

દરમિયાન રાજેશ રવિદાસ તેના ત્રણ સાથીદાર સાથે રિવોલ્વર લઇને ઝારખંડથી મીરા રોડ આવ્યો હતો. તેણે શામુના ઘરની રેકી કર્યા બાદ તેની હત્યા કરી હતી. આ કેસમાં બે આરોપીને અદાલતે માર્ચ 2026માં દોષી ઠેરવીને જનમટીપની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સુપારી કિલર રાજેશ રવિદાસ ફરાર હતો.

રાજેશની શોધ ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને તાજેતરમાં માહિતી મળી હતી કે તે ઝારખંડના હજારીબાગ વિસ્તારમાં રહે છે. આથી પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.