થાણે: થાણે રેલવે સ્ટેશન નજીક મિત્રો વચ્ચેની લડાઇ દરમિયાન ચાકુના ઘા ઝીંકી સગીરની હત્યા કરવામાં આવી હતી, જ્યારે વચ્ચે પડેલો મિત્ર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે પાંચમી મેની રાતે આ ઘટના બની હતી અને હુમલાખોરને બાદમાં પકડી પાડવામાં આવ્યો હતો.
16થી 18 વર્ષની વયના ત્રણ છોકરા ખાડીના બ્રિજ નજીક ઊભા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો અને સગીરે ચાકુ કાઢીને તેના 16 વર્ષના મિત્ર પર હુમલો કર્યો હતો. એ સમયે મધ્યસ્થી કરવા વચ્ચે પડેલો વિશાલ પાટેકર નામનો સગીર હુમલામાં ગંભીર રીતે ઘવાયો હતો. તે ઘાયલ અવસ્થામાં વાડ તરફ દોડ્યો હતો અને બાદમાં ફસડાઇ પડ્યો હતો.
પાટેકરને તાત્કાલિક સારવાર માટે થાણે ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન હુમલામાં ઘવાયેલોે 16 વષનો મિત્ર ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને પાસેના વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાંથી લોકો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાર બાદ તેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેના નિવેદનનો આધારે થાણે જીઆરપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે હુમલાખોરને તાબામાં લીધો હતો અને આ પ્રકરણે વધુ તપાસ આદરી હતી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)