નવી દિલ્હી: મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરી લેતા ત્યાંથી ક્રુડ ઓઈલ અને એલપીજી જહાજના પરિવહન અટક્યું છે. જેના પગલે દેશમાં છેલ્લા 15 દિવસમાં એલપીજી વપરાશમાં 17.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ અંગે ઉદ્યોગ પાસેથી મળતી માહિતી મુજબ 15 માર્ચ સુધીમાં દેશમાં એલપીજી વપરાશ ઘટીને 11.47 લાખ ટન થયો હતો. જે ગત વર્ષ માર્ચ માસમાં પ્રથમ 15 દિવસ દરમિયાન 13.87 લાખ ટન વપરાશની તુલનામાં 17.3 ટકાનો ઘટાડો છે. ભારત તેની કુલ એલપીજી જરૂરિયાતોના આશરે 60 ટકા આયાત કરે છે. જેમાંથી મોટાભાગની હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે.
હોટલ અને ઉદ્યોગોને એલપીજી સપ્લાયમાં ઘટાડો કર્યો
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલા બાદ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તરફથી આવતા પુરવઠામાં અવરોધ ઉભો થતો સરકારે ઘરેલુ રસોઈ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપારી સંસ્થાઓ - જેમ કે હોટલ અને ઉદ્યોગોને LPG સપ્લાયમાં ઘટાડો કર્યો છે. ત્રણ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓના પ્રારંભિક વેચાણ ડેટા અનુસાર, 1 માર્ચથી 15 માર્ચ દરમિયાન LPGનો વપરાશ 2024 ના સમાન સમયગાળાની તુલનામાં 16 ટકા ઓછો અને 2023ના સમાન સમયગાળાની તુલનામાં 10.6 ટકા ઓછો હતો.
પ્રદૂષિત ઇંધણના વિકલ્પ તરીકે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો બજાર હિસ્સો આશરે 90 ટકા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાકડા અને અન્ય પ્રદૂષિત ઇંધણના વિકલ્પ તરીકે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલને કારણે એલપીજી વપરાશમાં વાર્ષિક 3 થી 4 ટકાનો સતત વધારો જોવા મળ્યો છે.
વિમાનમાં વપરાતા જેટ ફયુલનો વપરાશ 4 ટકા ઘટીને 3,27,900 ટન થયો
આ ઉપરાંત યુદ્ધના કારણે ખાડી રાષ્ટ્રોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. જેના કારણે ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન એરલાઇન્સે ઓછી ફ્લાઇટ્સ ચલાવતા એવિએશન ટર્બાઈલ ફયુલ (ATF) વપરાશ પર પણ તેની અસર પડી છે. જેમાં માર્ચના પ્રથમ 15 દિવસમાં ATF વપરાશ 4 ટકા ઘટીને 327,900 ટન થયો. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ઓછો આંકડો છે. યુદ્ધના લીધે એલપીજી ગેસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની માંગમાં જોરદાર વધારો જોવા મળ્યો. પેટ્રોલનું વેચાણ 13.2 ટકા વધીને આશરે 1.5 મિલિયન ટન થયું, જ્યારે ડીઝલનો વપરાશ 8.2 ટકા વધીને 3.384 મિલિયન ટન થયો.