Sun Aug 23 2026

Logo

માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની મોટા માર્જિનથી જીત, કોંગ્રેસ ધૂઆપૂઆ કહ્યું તમામ મશીનરી કામે લગાડી...

2026-08-03 17:45:18
Author: Devayat Khatana
Article Image

વડોદરા: રાજ્યમાં બહુ ગાજેલી વડોદરાની માજલપુરની પેટા ચૂંટણીના પરિણામ અંગે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવારે જનતાનો વિજય ગણાવ્યો હતો, પરંતુ હાર્યા પછી કોંગ્રેસના ઉમેદવારે ચોંકાવનારા આરોપો મૂક્યા હતા. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે 30 જુલાઇના રોજ મતદાન થયું હતું. આ બેઠક પર ભાજપ તરફથી સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી એમ કુલ બે જ ઉમેદવાર વચ્ચે જ હરીફાઈ હતી. જ્યારે હવે આજે આ બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલને 55481 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારીને 24851 મતો મળ્યા છે. આમ ભાજપના ઉમેદવારનો 30630 મતોની સરસાઈથી વિજય થયો છે. 

જો કે આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની હાર બાદ તેમણે મીડિયા સાથે વાત કરીને ચૂંટણી દરમિયાન સત્તા પક્ષ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  ચૂંટણી દરમિયાન તેઓ સતત લોકોની વચ્ચે જઈ રહ્યા હતા અને નિયમોનું પાલન કરી રહ્યા હતા. લોકો તરફથી મળતા સકારાત્મક પ્રતિસાદને કારણે તેમને પોતાની જીતની પૂરેપૂરી આશા હતી. જોકે, તેમણે આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષે તેમની સામે પોતાની આખી સરકારી મશીનરી કામે લગાડી દીધી હતી, જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યો પણ સામેલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે શાસક પક્ષ પર આચારસંહિતાના ખુલ્લા ભંગનો આરોપ લગાવતા કહ્યું કે વિરોધીઓ ઢોલ-નગારા અને ખેસ પહેરીને શહેરના દરેક બૂથ પર ફર્યા હતા અને લોકોમાં એવો ભય પેદા કર્યો કે તેમના મતદારો મત આપવા માટે ઘરની બહાર જ ન નીકળી શક્યા. શાસક પક્ષના આ કૃત્યને તેઓ લોકશાહી માટે અત્યંત ખતરનાક ગણાવ્યો હતો, તેમ છતાં તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ અન્યાય સામે લડતો રહેશે અને તેઓ પોતે પણ ભવિષ્યમાં લોકોની સેવા કરવાનું ચાલુ રાખશે. 

ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની 30,499ની લીડથી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારના ખાતામાં  24,585 મત પડ્યા છે. જો કે નોંધવા જેવી વાત એ છે કે બે ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં નોટામાં 2223 મત પડ્યા હતા. આ જીત પર ભાજપના ઉમેદવાર સતિષ પટેલે જણાવ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં 37.05 ટકા મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી.