Wed Jul 29 2026

Logo

દુબઈમાં મલાઈકા અરોરાની માતા ફસાતા અનુભવ શેર કર્યાં, દીકરીઓ ચિંતાતુર

2026-03-04 18:51:07
Author: Mumbai Samachar Team
Article Image

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના આકાશમાં યુદ્ધના વાદળો ઘેરાતા અનેક દેશોએ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેના કારણે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અથવા તો તેમના રૂટ બદલવામાં આવ્યા છે. આ વૈશ્વિક અસ્થિરતાને કારણે હજારો મુસાફરો અલગ-અલગ દેશોના એરપોર્ટ પર ફસાઈ ગયા છે, જેમાં બોલીવુડ સેલેબ્રિટીઝના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે.

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની માતા જોયસ અરોરા હાલમાં દુબઈમાં ફસાયેલા છે. એક મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ તેમની મોટી બહેનનો જન્મદિવસ ઉજવવા દુબઈ ગયા હતા અને ૩ માર્ચના રોજ મુંબઈ પરત ફરવાના હતા. જોકે, યુદ્ધની સ્થિતિને કારણે તેમની ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. જોયસ અરોરાએ વધુમાં ઉમેર્યું કે, તેમણે પોતાની આંખોથી આકાશમાં મિસાઈલોને તોડી પાડવામાં આવતી જોઈ હતી, જે ખરેખર ડરામણો અનુભવ હતો, પરંતુ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાને કારણે તેઓ હાલ સુરક્ષિત અનુભવી રહ્યા છે.

મુંબઈમાં રહેલી મલાઈકા અને અમૃતા અરોરા તેમની માતાની સુરક્ષાને લઈને સતત ચિંતિત છે. જોયસ અરોરાએ જણાવ્યું કે તેમની પુત્રીઓ દિવસમાં ચાર-પાંચ વાર તેમની સાથે વાત કરીને હાલચાલ પૂછે છે. ભલે તેઓ મુંબઈથી દૂર છે, પરંતુ પરિવાર સાથે ટેકનોલોજીના માધ્યમથી સતત જોડાયેલા છે. હવે જ્યારે કેટલીક ઉડાન સેવાઓ ફરી ધીમે ધીમે શરુ કરી છે ત્યારે તેમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરી શકશે.

આ કપરી પરિસ્થિતિ વચ્ચે ૩ માર્ચના રોજ જોયસ અરોરાએ પોતાનો જન્મદિવસ પણ દુબઈમાં જ ઉજવ્યો હતો. આ પ્રસંગે મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરીને પોતાની માતાને શુભેચ્છા પાઠવી હતી. મલાઈકાએ પોતાની માતાને પરિવારની 'બેકબોન' ગણાવી હતી. સોશિયલ મીડિયા પર ચાહકો પણ જોયસ અરોરાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આ કપરા સમયમાં અરોરા પરિવાર એકબીજાને હિંમત આપી રહ્યો છે.