Tue Aug 25 2026

Logo

કાશ્મીરના પૂંચમાં સેનાની મોટી કાર્યવાહી: આતંકી ઠેકાણેથી IED અને હથિયારો જપ્ત...

2026-02-25 21:31:09
Author: Mumbai Samachar Team
કાશ્મીરના પૂંચમાં સેનાની મોટી કાર્યવાહી: આતંકી ઠેકાણેથી IED અને હથિયારો જપ્ત...

મેંધાર/જમ્મુ: સુરક્ષા દળોએ આજે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના એક ગામમાંથી એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને બે તૈયાર ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (આઈઈડી) અને એક પિસ્તોલ સહિત શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો હતો.    

અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંધાર સેક્ટરના સલાની કસ્બ્લારી ગામમાં સેના અને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન બે ગ્રેનેડ અને ૨૪ પિસ્તોલ રાઉન્ડ સહિતની વસ્તુઓ ગુફામાં છુપાવેલી મળી આવી હતી.

એક્સ પરની એક પોસ્ટમાં, આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે, "પોતાના સ્ત્રોતો અને પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે, વ્હાઇટ નાઈટ કોર્પ્સ અને એસઓજી પૂંછના સૈનિકો દ્વારા ગની ફોરેસ્ટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું."
 
વિગતવાર શોધખોળ દરમિયાન સ્થળ પરથી એક મોટો આઈઈડી (૪.૫ કિલો), એક નાનો આઈઈડી (૮૦૦ ગ્રામ), બે ચાઇનીઝ ગ્રેનેડ, એક ૯ મિમી પિસ્તોલ, બે ૯ મિમી રાઉન્ડ અને ૨૨ ૭.૬૨ મીમી રાઉન્ડ મળી આવ્યા હતા" .

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આઈઈડી અને ગ્રેનેડનો બાદમાં નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નાશ કરવામાં આવ્યા હતા. હથિયારોની સમયસર રિકવરીથી સરહદી જિલ્લામાં સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.