નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં 28 જૂન, 2026ના રોજ જુદાજુદા એગ્ઝામ સેન્ટરમાં TETની પરીક્ષાનું આયોજન થવાનું હતું. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે પરીક્ષાના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થઇ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરીક્ષાના 24 કલાક પહેલા જ પેપર ઠાણેથી લીક થઇ ગયું છે. પેપર લીક કેસ બાદ શિક્ષણ વિભાગે શિક્ષક પાત્રતા પરીક્ષા હવે રદ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્ર TET પેપર લીકની જાણકારી પોલીસને મળી હતી. ત્યારબાદ ઠાણેમાં એક અભિયાન ચલાવી પોલીસે પેપર જપ્ત કર્યું હતું. સાથે જ આ મામલે અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસને મળી હતી ખાનગી માહિતી
મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (MSCE) દ્વારા આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર TETની પરીક્ષા યોજાવાની હતી. પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપર લીક થઈ ગયું છે. પરિષદના જણાવ્યા અનુસાર, પેપર લીક થવાની ખાનગી માહિતીના આધારે 27 જૂનની સવારે પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે MSCE ના અધિકારીઓને પણ ઘટનાસ્થળે બોલાવ્યા હતા.
લાખો ઉમેદવારો પર પડશે અસર
શિક્ષણ વિભાગના પરીક્ષા રદ કરવાના નિર્ણયથી મોટી સંખ્યામાં ઉમેદવારોને ફટકો પડ્યો છે. તેઓ ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
હવે વિદ્યાર્થીઓને નવી તારીખની રાહ
પેપર લીક થવાની માહિતી મળ્યા બાદ પેપર કેવી રીતે લીક થયું અને આની પાછળ કયા લોકો હોઈ શકે છે તે મામલે તંત્રએ તપાસ શરૂ કરી દીધી છે. હવે ઉમેદવારો પરીક્ષાની નવી તારીખ જાહેર થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સતત સામે આવી રહ્યા છે પેપર લીકના કેસો
સતત આવી રહેલા પેપર લીકના મામલાથી પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. હજુ થોડાક સમય પહેલા જ NEET પરીક્ષાને લઇને વિવાદ ઉભો થયો હતો એટલું જ નહીં પેપર લીકનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે મહારાષ્ટ્ર TET પરીક્ષાને લઇને સામે આવેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આવી ઘટનાઓથી તેમની મહેનત અને તૈયારીઓ પર અસર પડે છે અને પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા જાળવી રાખવા માટે સખત પગલા ભરવાની જરુરિયાત છે.