(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સુધારો આવ્યા બાદ આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3720થી 3760માં ટકેલા ધોરણે થયા હતા. જોકે, ગઈકાલે જાહેર રજાના માહોલમાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પાંખાં કામકાજે હાજર બજારમાં ટકેલું વલણ રહ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં મથકો પાછળ સ્મોલ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 10નો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. 10થી 16નો સુધારો આવ્યો હતો. જોકે, નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં નીચલા મથાળેથી રૂ. 10નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. 10નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડમાં ક્વિન્ટલે રૂ. 10 વધી આવ્યા હતા.
દરમિયાન નેશનલ ફેડરેશન ઑફ કૉઑપરેટિવ સુગર ફેક્ટરીઝના અહેવાલ અનુસાર ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ 2025-26માં ગત 31મી માર્ચ સુધીમાં શેરડીનું પિલાણ 6.79 ટકા વધીને 2835 લાખ ટનનું થયું છે, જ્યારે ખાંડનું ઉત્પાદન 9.56 ટકાના રિકવરી દર સાથે 9.07 ટકા વધીને 271 લાખ ટનનું થયું છે. તેમ જ 467 ખાંડ મિલોએ પિલાણ બંધ કર્યું છે અને 74 મિલોમાં હજુ પિલાણ ચાલુ છે અને આગામી 15મી એપ્રિલ પૂર્વે પિલાણ મોસમ પૂરી થવાની શક્યતા ફેડરેશને વ્યક્ત કરી છે. જોકે, વર્તમાન મૌસમમાં ખાંડનું ઉત્પાદન 280 લાખ ટન કરતાં વધે તેવી શક્યતા ન હોવાનું સ્થાનિક અગ્રણી કંપની જગજીવન કેશવજી ઍન્ડ કંપનીના પ્રફુલભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે હાજરમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હતી. તેમ છતાં મથકો પરના પ્રોત્સાહક અહેવાલ તથા માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 10 વધીને રૂ. 3856થી 3940માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 10થી 16ના સુધારા સાથે રૂ. 3970થી 4052માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ એકંદરે મર્યાદિત રહેતાં ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું જેમાં નીચલા મથાળેથી ભાવ ક્વિન્ટલે રૂ. 10ના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3790થી 3820માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 10ના સુધારા સાથે રૂ. 3880થી 3940માં થયા હતા.