મુંબઈ: સહ્યાદ્રિ ટાઈગર રિઝર્વના વિસ્તરણમાં 555 ગામના સૂચિત સમાવેશની મહારાષ્ટ્ર સરકાર સમીક્ષા કરશે અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી, જે સ્થળો આ કોરિડોરમાં નથી આવતા તેમને બાકાત રાખવા માટે તમામ પ્રયાસો કરશે, તેમ એક પ્રધાને જણાવ્યું હતું.
વન પ્રધાન ગણેશ નાઇકે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા અને રત્નાગિરીના ગામો સામેલ છે. કેન્દ્રને આખરી પ્રસ્તાવ મોકલતા પહેલા વન અધિકારીઓ કોલ્હાપુરમાં કેમ્પ યોજીને સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને સરપંચો સાથે ચર્ચા કરશે. તેમજ અધિકારીઓ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સમજશે અને મુશ્કેલીઓ ઘટાડવા જરૂરી ફેરફારોની ભલામણ કરશે.
જો કોઈ ગામો વાઘની અવરજવર વાળા વિસ્તારમાં નહીં આવતા હોય, તો તેમાંથી બને એટલા વધારે ગામોને આ સૂચિત કોરિડોરમાંથી બહાર રાખવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં નાઇકે સ્પષ્ટ કર્યું હતું કે આ ઇકો-સેન્સિટિવ ઝોનથી ખેતી, મકાન, શાળા કે હોસ્પિટલ જેવા સામાન્ય કામોને કોઈ અસર નહીં થાય. માનવ-વન્યજીવ સંઘર્ષ અંગે તેમણે જણાવ્યું કે વાઘ અને દીપડા ગામોમાં ન આવે તે માટે જંગલોમાં જ પ્રાણીઓનો આવાસ અને ખોરાક સુધારવાના પગલાં લેવાઈ રહ્યા છે. સાથે જ, વન્યજીવોના હુમલાથી પ્રભાવિત લોકોને વળતર ઝડપથી ચૂકવવાની અને કોરિડોર બનાવતી વખતે સ્થાનિકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવાની તેમણે ખાતરી આપી હતી.