(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી કબૂલાત કરી હતી કે હલકી ગુણવત્તાના કોલસાને કારણે રાજ્યમાં વીજળીના ઉત્પાદન પર અસર પડી છે અને ગેરમાર્ગે દોરનારા સપ્લાયરોને રોકવા માટે ટેન્ડરમાં આકરી સુરક્ષા કલમો સામેલ કરવાની ખાતરી આપી હતી.
રાજ્ય વિધાનસભાના પ્રશ્ર્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા કૉંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળીની અછત, વીજળીની માગણીમાં વધારો અને જનરેટિંગ યુનિટ્સ બંધ થવાનું એક જ કારણ છે.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર સંચાલિત મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની (મહાજેન્કો)ના અનેક યુનિટ્સ દ્વારા સામનો કરવામાં આવતી ટેક્નિકલ સમસ્યાઓ પાછળ નબળી ગુણવત્તાનો કોલસો એક મોટું કારણ છે.
ઉનાળા દરમિયાન રાજ્યમાં વીજળીની માગણી રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગઈ હતી. વડેટ્ટીવારે હલકી ગુણવત્તાનો કોલસો પૂરો પાડતા સપ્લાયર્સ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ઉપસ્થિત કરવામાં આવેલા મુદ્દાઓ પર જવાબ આપતાં ફડણવીસે કહ્યું બકિ રે રાજ્યને પૂરા પાડવામાં આવતા કોલસાની ગુણવત્તાને કારણે વીજળીના ઉત્પાદન પર અસર થઈ છે. તેમણે ગૃહને એવી પણ માહિતી આપી હતી કે રાજ્ય સરકારે કેન્દ્રીય કોલસા પ્રધાન સાથે ચર્ચા કરી છે અને કોલસાના યોગ્ય મનૂના લેવા અંગેનું વલણ વ્યક્ત કર્યું છે.