Fri Jun 19 2026

Logo

ઠાકરે જૂથ બાદ હવે શરદ પવાર જૂથમાં પણ 'બળવાના' એંધાણ: તારીખ પણ નક્કી છે

2026-06-19 20:06:41
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (યુબીટી)ના 6 સાંસદો શિંદે જૂથમાં જોડાયા બાદ 'ઓપરેશન ટાઈગર' સફળ રહ્યું છે. હવે શરદ પવારની NCP (SP) માં પણ મોટા ભંગાણનો દાવો કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)ના પક્ષના ભાગલા પડ્યા છે, જેમાં છ જેટલા સંસદસભ્યો શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા હતા, જે ઉદ્ધવ ઠાકરે માટે આ મોટો ફટકો મનાય છે, પરંતુ હવે શરદ પવાર જૂથ સુધી પણ રેલો પહોંચી શકે એવી અટકળોએ જોર પકડ્યું છે.

એવી ચર્ચા છે કે ઠાકરે જૂથના આ છ સાંસદો આજે શિવસેનાના શિંદે જૂથમાં જોડાશે. શિંદેનું 'ઓપરેશન ટાઇગર' સફળ થયું છે. આ દરમિયાન, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એલર્ટ મોડમાં આવી ગઈ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એનસીપી (એસપી) જૂથમાં પણ બળવો થવાની તૈયારીમાં છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે.

એનસીપીના અજિત પવાર જૂથના નેતા ધર્મરાવ બાબા આત્રામે દાવો કર્યો હતો કે એનસીપી (એસપી)ના પાંચ જેટલા સંસદસભ્યો તેમના જૂથમાં જોડાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે શરદ પવાર જૂથના આ પાંચ સાંસદો 12 ડિસેમ્બર સુધીમાં તેમના પક્ષમાં જોડાઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે માત્ર સાંસદો જ નહીં, પરંતુ વિધાનસભ્યો પણ તેમની સાથે જોડાઈ શકે છે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ કોઈ "ઓપરેશન" જાતે નહીં કરે; 'તુતારી' જૂથ તે જાતે કરશે. આ દરમિયાન, સુનેત્રા પવારે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી, તેથી હવે શરદ પવારનો પક્ષ વિભાજિત થશે કે નહીં એ સમય કહેશે, પરંતુ અત્યારે અટકળોએ જોર પકડ્યું છે.