અમદાવાદઃ પહેલા ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થયા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો થતા મોંઘવારીએ વધુ એક ફટકો મધ્યવર્ગને મારી દીધો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મોડા વાવેતર અને ગરમીના કારણે તેમજ અગાઉ પડી રહેલો ડુંગળીનો સ્ટોક બગડી જવાના કારમે સપ્લાય ઘટી રહી છે. અમદાવાદમાં APMC માર્કેટમાંથી મળતી વિગત અનુસાર ડુંગળીનો ભાવ પ્રતિકિલો 52 સુધી પહોંચ્યો છે. 25થી 30 ટકા સુધીનો સ્ટોકમાં ઘટાડો નોંધાયા ભાવ વધ્યા છે.
અમદાવાદનું ચિત્ર
હાલમાં અમદાવાદની માર્કેટમાં છુટક ભાવે ડુંગળી 80ની કિલો લેખે મળી રહી છે. અમદાવાદ APMC સેક્રેટરી સંજય જોશીએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે બધુ નોર્મલ હતું એ સમયે અમદાવાદ APMCમાં 7થી 8 હજાર ક્વિંટલ ડુંગળીની આવક થતી હતી. અત્યારે સપ્લાય ઘટી ગઈ છે. 5 હજાર ક્વિંટલ જ આવે છે. સૌરાષ્ટ્ર બાદ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી અમદાવાદમાં ડુંગળી આવે છે. આ વખતે સપ્લાય ઘટી છે. આ પાછળ કેટલાક પરિબળો પણ કામ કરતા હોય છે. બેંગ્લુરૂમાં જ્યાં 70 હજાર કટ્ટા ડુંગળીની આવક થવી જોઈએ એના બદલે 6થી 7 હજાર કટ્ટા ડુંગળી આવે છે. મહારાષ્ટ્રમાં અચાનક વાતાવરણ પલટાતા ડુંગળીના ઉત્પાદનને સીધી અસર થઈ છે. ધીમે ધીમે જુનો સ્ટોક ઘટી રહ્યો છે. અન્ય રાજ્ય માટે આ આવક મર્યાદિત થઈ છે. સપ્લાયનું દબાણ મહારાષ્ટ્ર પર વધારે છે. એક હકીકત એ પણ છે કે, ગત વર્ષે દિવાળી બાદ જે ખેડૂતોએ ડુંગળી પકવી હતી એ સ્ટોક અત્યારે બગડી ગયો છે.
ખાવાલાયક ડુંગળી નથી હાલમાં
એ સ્ટોકમાંથી અત્યારે 25 ટકા ડુંગળી ખાવાલાયક નથી. આ કારણે આ સ્ટોક માર્કેટ સુધી લાવી શકાય એમ નથી. મહારાષ્ટ્રના ડુંગળીના જથ્થાબંધ વેપાર સાથે જોડાયેલા વેપારીઓ ત્યાં સુધી કહે છે કે, હાલ મહારાષ્ટ્રમાં પણ જોઈએ એવી આવક નથી. ગત વર્ષે સારી હતી આ વર્ષે ઓછી છે. હાલ જે સ્ટોક છે એમાં પણ જોખમ છે, ગરમી અને ભેજના કારણે નવા સ્ટોકમાં પણ ડુંગળી બગડી ગઈ છે. સરકાર સસ્તા ભાવે ખરીદેલી ડુંગળીનો સંગ્રહ કરે છે અને ભાવ વધતાં જ તેને ₹35 પ્રતિ કિલો જેવા સસ્તા દરે બજારમાં વેચે છે, જેથી સામાન્ય લોકોને રાહત મળે. હાલમાં આ અંગે સરકાર જ સ્પષ્ટતા કરી શકે. દર વર્ષે ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો જોવા મળે છે. આ પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો હોય છે. જેમાં પહેલો મુદ્દો તહેવારનો હોય છે. બીજો હવામાન અને ત્રીજો પાક નિષ્ફળતા. આ કારણે દિવાળી પહેલા ભાવ વધારો જોવા મળે છે. પણ આ વખતે આ ભાવ વધારાને અસામાન્ય માનવામાં આવે છે.