Thu Jun 11 2026

Logo

મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં મહિલા કર્મચારીઓ પર મહેરબાન ‘કમ અર્લી, લીવ અર્લી’ની પદ્ધતિ લાગુ કરવાની સુનેત્રા પવારની જાહેરાત

2026-03-10 18:32:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે મંગળવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારક્ષેત્રમાં કામ કરતી રાજ્ય સરકારની મહિલા કર્મચારીઓ માટે કામ કરવાના સમયમાં ‘વહેલા આવો, વહેલા જાઓ’ પહેલ હેઠળ, મહિલા કર્મચારીઓને સવારે 9.15 થી 9.45 વાગ્યા સુધી રિપોર્ટિંગ સમયની મંજૂરી આપી હતી અને વહેલી આવનારી મહિલા કર્મચારીઓને રાતે જલ્દી જવાની સગવડ મળશે. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિધાનપરિષદમાં એક ખાસ ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘આ નિર્ણય ભીડભાડના સમયે મહિલાઓને થતી અસુવિધાને ઓછી કરીને તેમને મોટી રાહત આપશે.’ મહિલાઓના સર્વાંગી વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરતાં, પવારે સભ્યોને મહિલાઓ માટે યોગ્ય સન્માન, તકો અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરતો સમાજ બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી હતી. 

નાયબ મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે જુલાઈ 2015થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ હાથ ધરવામાં આવેલા 14 અભિયાનો દ્વારા 42,594 બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યારે ‘ઓપરેશન શોધ’ દ્વારા 5,066 મહિલાઓ અને 2,771 બાળકોને શોધી કાઢવામાં મદદ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની સલામતી માટે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ચર્ચગેટ અને બોરીવલી રેલવે સ્ટેશનો પર સાયબર ગુના અટકાવવા માટેની સિસ્ટમો સ્થાપિત કરવામાં આવી છે.

મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ પહેલ પર પ્રકાશ પાડતા, નાયબ મુખ્ય પ્રધાને લાડકી બહિણ, નમો મહિલા સક્ષમીકરણ, લેક લાડકી, અન્નપૂર્ણા અને લખપતિ દીદી જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનો માટે બજાર પૂરું પાડવા માટે ઉમેદ મોલ, ઉમેદ માર્ટ અને મહાલક્ષ્મી સરસ જેવા પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, જે હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.

પવારે જણાવ્યું હતું કે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે માનદંડ અને માળખાગત સુવિધાઓ સુધારવા માટે સકારાત્મક છે, તેમણે નોંધ્યું હતું કે 17,254 આંગણવાડી કેન્દ્રોને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે રાજ્યએ સરકારી કર્મચારીઓ માટે 180 દિવસની પ્રસૂતિ રજા મંજૂર કરી છે અને તબીબી પ્રમાણપત્રની જરૂર વગર પ્રસૂતિ રજા પછી એક વર્ષ સુધી અડધા પગારની રજાની મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર સરકારની ચોથી મહિલા નીતિ લાગુ કરવામાં આવી છે અને તેના અસરકારક અમલ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.