(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રોકાણ પર અવાસ્તવિક રીતે ઊંચા વળતરની લાલચ આપનારી પેઢીઓ અને યોજનાઓ પર નિયંત્રણ રાખવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમર્પિત ફાઈનાન્શિયલ મોનિટરિંગ યુનિટ બનાવવામાં આવશે એવી માહિતી બુધવારે રાજ્ય વિધાનસભામાં આપવામાં આવી હતી.
રાજ્ય સરકારના મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટસ ઓફ ડિપોઝિટર્સ (ઈન ફાઈનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ)(અમેન્ડમેન્ટ) બિલ, 2026 પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતાં ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે જણાવ્યું હતું કે આવું યુનિટ જિલ્લા સ્તરે શંકાસ્પદ આર્થિક યોજનાઓ પર નજર રાખશે અને સમયસરનો હસ્તક્ષેપ કરશે.
અત્યારના તબક્કે મિલકતોને કાનૂની રીતે જપ્ત કરવા માટે નિર્ધારિત પ્રક્રિયાને આધારે કોર્ટની પરવાનગી લેવી આવશ્યક છે. આમ છતાં અત્યંત દુર્લભ કિસ્સામાં પરવાનગી આપવામાં આવતી હોય છે. કદમે કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ફક્ત બે વખત મુદત આપવાની પરવાનગી આપવામાં આવી છે અને વિશેષ સંજોગોમાં એક મુદત મેજિસ્ટ્રેટ પોતાની મુનસફી પર આપી શકશે.
ક્રિપ્ટો કરન્સી સંબંધિત ફ્રોડનો દાખલો આપતાં કદમે કહ્યું હતું કે ક્રિપ્ટો મિલકતોને ફ્રીઝ કરવાનું દરેક કિસ્સામાં શક્ય હોતું નથી. જો કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી ખરીદે છે એની માર્કેટ કિંમત નક્કી થઈ શકે છે અને પિડિતના નુકસાનને કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને ફરી પ્રાપ્ત કરી શકાય છે.
કદમે એમ પણ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી અંગે મોટા પાયે ગેરમાન્યતાઓ છે અને લોકોમાં સાઈબરક્રાઈમ અને ડિજિટલ મિલકતો પર નિયંત્રણ બાબતની કાનૂની પ્રક્રિયા અંગે ઘણી જાગૃતિ ફેલાવવાની આવશ્યકતા છે.