કેન્દ્ર સરકારના નિયમોને આધીન રહીને રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતા દ્વારા આદેશ જારી: વેપારીઓને મોટી રાહત
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ખાદ્ય પદાર્થોના જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મોટી રાહત આપી છે. તેમને હવે અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ પાસેથી કોઈપણ પ્રકારનું લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં. આમ હવે ખાદ્યપદાર્થના વેપારીઓને લાઈસન્સ-રાજમાંથી મુક્તિ મળી છે. અન્ન, નાગરી પુરવઠા વિભાગ દ્વારા ગયા અઠવાડિયે જારી કરાયેલા નવા આદેશ મુજબ, તેલ, તેલીબિયાં, ચોખા, ઘઉં અને તેમાંથી બનેલા ઉત્પાદનો (રવો, મેંદો, ઘઉંનો લોટ), જુવાર, બાજરી, ખાંડ, ગોળ, કઠોળ, ખાદ્ય તેલ, કાંદા અને બટેટાનો વેપાર કરતા વેપારીઓને હવે ખાદ્ય અને પુરવઠા વિભાગ પાસેથી કોઈપણ પ્રકારનું લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં.
આ નિર્ણયનું સ્વાગત કરતા, ઓલ ઇન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે, 2016માં ‘વ્યવસાય કરવાની સરળતા’ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે તેલ, તેલીબિયાં, ચોખા, ઘઉં, જુવાર, બાજરી, ખાંડ, ગોળ, કઠોળ, વનસ્પતિ ઘી, કાંદા અને બટેટા જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે લાઇસન્સ જરૂરિયાત નાબૂદ કરી હતી.
2022માં કઠોળના વધતા ભાવને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે રાજ્યોને સ્ટોક મર્યાદિત કરવાની અને જરૂર પડ્યે લાઇસન્સિંગ સિસ્ટમ ફરીથી દાખલ કરવાની સત્તા આપી હતી. આમ છતાં, મહારાષ્ટ્ર પુરવઠા વિભાગે 24 ડિસેમ્બર, 2025ના રોજ એક આદેશ જારી કરીને ખાદ્ય પદાર્થના વેપારીઓ માટે લાઇસન્સિંગ ફરજિયાત બનાવ્યું.આ નિર્ણયથી નારાજ થયેલા વેપારીઓના વિવિધ વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ રાજ્યના પુરવઠા સચિવને મળ્યા હતા અને તેમને 2016ના કેન્દ્ર સરકારના આદેશ દાખવીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ હેઠળ આપવામાં આવેલી મુક્તિનો હવાલો આપીને વેપારીઓ પર લાઈસન્સનો બોજો ન નાખવાની વિનંતી કરી હતી, જેને પગલે આ બાબતે ફેરવિચાર કરીને 30 એપ્રિલે એવો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ઉપરોક્ત વેપારીઓને માટે અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનું લાઈસન્સ આવશ્યક રહેશે નહીં. આ નિર્ણયને કારણે રાજ્યના લાખો વેપારીઓને મોટી રાહત મળી છે.